સુરેન્દ્રનગરનાં ગામડાઓમાં નેતાને “નો એન્ટ્રી”નાં બેનરો લાગતાં ચકચાર
૩૧ ગામના ખેડૂતો-પશુ પાલકોની ખેડૂત હિતરક્ષક સમિતિએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાના ૩૧ ગામના ખેડૂતો-પશુપાલકોની બનેલી ખેડૂત વિકાસ હિતરક્ષક સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર અને રાજકીય આગેવાનોને નો એન્ટ્રીના બેનરો લગાવવામાં આવતા ચકચાર સાથે રાજકીય ગરમાવો ફેલાયો છે.
આ અંગેની જાણવા મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા તાલુકાના ૩૧ ગામોના ખેડૂતો અને પશુપાલકો દ્વારા સિંચાઈના પાણીની માગ સાથે છેલ્લા એક કરતા વધુ વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે. મૂળી તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી કેમ નહીં, ૩૧ ગામના લોકો પાણી માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે.
તાલુકામાંથી નર્મદાની ત્રણ લાઈનો પસાર થાય છે તેમ છતાં તાલુકાને નર્મદાનું પાણી મળતું નથી. અગાઉ કુંતલપુર ગામે મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રાના ૩૧ ગામના ખેડૂતોએ બેઠક યોજી નર્મદાના પાણી માટે કાંઈપણ કરવા તૈયારી દેખાડી છે. સરકાર દ્વારા પાણી આપવા માગ કરી હતી.
જયારે મંગળવારે કુંતલપુર ગામે ચૂંટણીમાં આગામી સમયમાં રાજકીય નેતા માટે પ્રવેશબંધીના બેનરો લાગતા દોડધામ મચી જવા પામી હતી. અગાઉ થોડા દિવસ પહેલાં મૂળી તાલુકાના કુંતલપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રી સભામાં ઉપસ્થિત રહી લડત માટે કટિબદ્ધ બન્યા હતા.