તડછોડાયેલા કુષ્ઠ રોગી, મંદબુદ્ધિના દર્દીઓની સેવા કરતાં સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ

૧૯૮૮માં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી.
સુરેશભાઈ સોનીને મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરાયો -સહિયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા ૩૬ વર્ષથી તડછોડાયેલા કુષ્ઠ રોગી, મંદબુદ્ધિના દર્દીઓની કરી રહ્યા છે. પદ્મશ્રી એવોર્ડ મળતા સુરેશભાઈ સોનીએ શુભકામનાઓ પાઠવનાર સૌ કોઇનો ઋણસ્વીકાર કરી અંતઃકરણનો આભાર વ્યક્ત કર્યો.
સાબરકાંઠામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે, રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુરેશ હરિલાલ સોનીને તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ દિલ્હી રાજભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના વરદ્ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પદ્મશ્રી એવોર્ડ મેળવી ગત રાત્રીએ સુરેશભાઇ સોની પોતાની સંસ્થામાં પરત આવતા સહિયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઇ સોનીનું ભવ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા.સે વા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા ૩૬ વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તડછોડાયેલા કુષ્ઠ રોગી,મંદબુદ્ધિના ૧૦૦૦ થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે.
અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ ના જીવન મંત્ર થકી પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા ૫૪ વર્ષથી કુષ્ઠરોગીઓની સેવા કાર્ય કરી રહ્યા છે. જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઇ હતી.
ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ પગમાં સ્લિપર ચહેરા પર સ્મિત, સાદગી ,સેવા, સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઇ ખરેખર નોખી માટીના માનવી છે. જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો છે.આ અવસરે સુરેશભાઈ સોનીએ પોતાના સેવા કાર્યોની વાત કરતા જણાવ્યુ હતુ કે ૧૯૬૬માં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ટ રોગીઓની સેવા શરૂ કરી ૧૯૭૦માં શ્રમ મંદિરમાં જોડાયા.
ત્યાર બાદ ૧૯૮૮માં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી. સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ૪૦૦ જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. મંદબુદ્ધિના ૨૫૦ જેટલા ૧૮ વર્ષથી મોટી ઉમરના ભાઈઓને રાખવામાં આવે છે. તેમજ ૮ વરસથી મોટી ઉમરની ૧૮૬ દીકરીઓ અહી રહે છે.સત્કાર્યો માટે ક્યારે કોઇની સામે હાથ ફેલાવો પડ્યો નથી.
દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે. આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભ ચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉચ્ચ સન્માન બદલ સુરેશભાઈ સોનીએ પદ્મશ્રી એવાર્ડની જાહેરાત બાદ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન-અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સહુ કોઇનો ઋણસ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઇને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ૬૪ જેટલા એવોર્ડ મળ્યા છે.પૂર્વ રાષ્ટ્રપતિ સ્વશ્રી ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર શ્રી સુરેશભાઇને સાંપડ્યો છે.