Western Times News

Gujarati News

ડમી વિદ્યાર્થીઓ અંગે શાળાઓમાં ઓચિંતી તપાસ કરવામાં આવશે

અમદાવાદ , ડમી વિદ્યાર્થીઓને લઈને સીબીએસઈ બોર્ડની તપાસ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કર્યાે છે. જેમાં વિદ્યાર્થીઓની નિયમાનુસારની હાજરી અંગે સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક દિવસો દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં જોવા મળે તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ માટે સ્કૂલો શરૂ થયા બાદ આકસ્મિક તપાસ કરવામાં આવશે અને જો તે વખતે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે અથવા તો સ્ટાફને લઈને અનિયમિતતા સામે આવશે તો કડક કાર્યવાહીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જ્હાએ તાબા હેઠળની તમામ બોર્ડની સ્કૂલોને વિદ્યાર્થીઓની હાજરીને લઈને પરિપત્ર કર્યાે છે.

જેમાં જણાવાયું છે કે, જિલ્લામાં ગુજરાત બોર્ડ સિવાયની સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ સાથે એફિલિયટેડ થયેલી શાળાઓમાં નવા સત્રની શરૂઆત થયેલી છે. જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેથી તમામ સ્કૂલોએ શાળામાં નિયમિત હાજરીને લઈને નિયમોની અમલવારી કરવાની રહેશે.

આમ, નવા શૈક્ષણિક સત્રથી હાજરીને લઈને સ્કૂલોને ચુસ્ત કાર્યવાહી કરવા માટે અત્યારથી જ તાકીદ કરી દેવામાં આવી છે. હાજરીને લઈને કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાના સત્ર, રજાઓ અને વેકેશન નિયત કરવામાં આવે છે અને સત્રના દિવસો પણ નિયત કરવામાં આવે છે. બોર્ડ દ્વારા દરવર્ષે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે, જેને દરેક સ્કૂલોએ અનુસરવાનું હોય છે.

શાળાના શૈક્ષણિક દિવસોમાં નિયત થયેલા કામના કલાકો મુજબ શૈક્ષણિક કામગીરી કરવાની રહે છે અને આ સમગ્ર સમય દરમ્યાન શાળામાં રજિસ્ટર્ડ થયેલા દરેક વિદ્યાર્થી શાળામાં હાજર રહે અને શૈક્ષણિક કાર્ય થાય તે શાળાએ સુનિશ્ચિત કરવાનું રહે છે. બોર્ડની જોગવાઈ અનુસાર, નિયત થયેલા શૈક્ષણિક કલાકો જેટલું શૈક્ષણિક કાર્ય શાળામાં થવું ફરજિયાત છે.

આ ઉપરાંત બોર્ડના નિયમ અનુસાર, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી કુલ શૈક્ષણિક દિવસોના ઓછામાં ઓછા ૮૦ ટકા જેટલી ફરજિયાત છે. અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થીની શાળામાં ૮૦ ટકા હાજરી પૂર્ણ કરેલી ન હોય તો ડીઈઓ કચેરીના માધ્યમથી બોર્ડમાં આધારો સહ દરખાસ્ત કરીને મંજૂરી લેવાની રહે છે. શાળાના વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરવી પણ ફરજિયાત કરવામાં આવેલી છે.

સીબીએસઈ બોર્ડ સાથે એફિલિયટેડ થયેલી જિલ્લાની શાળાઓએ ગુજરાત સરકારના વખતોવખતના નિયમો હેઠળ વિદ્યાર્થી હાજરી માટે યુ ડાયસ પ્લસમા નોંધણી કરાવીને ઓન લાઇન એટેન્ડસ સિસ્ટમ સોફ્ટવેરમાં હાજરી પુરવી ફરજિયાત કરવામાં આવેલી છે.

આમ, તમામ બોર્ડની સ્કૂલોની હાજરી ઓનલાઈન પુરવામાં આવે છે.આમ, સરકારના નિયમો તેમજ ઠરાવો અને પરિપત્રોની જોગવાઈ અનુસાર, શાળામાં સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત આવે અને શાળાના નિયત થયેલા શૈક્ષણિક સમય દરમિયાન શાળામાં ફરજિયાત હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.