“સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી”: PM મોદી
સુરતથી મારો દેશ આગળ વધશે-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું
(એજન્સી)સુરત, પ્રધાનમંત્રી મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સુરત એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. પીએમ મોદીએના હસ્તે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત પીએમ મોદીના હસ્તે સુરતમાં તૈયાર કરાયેલાં દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસનું પણ ઉદ્ધાટન કરાયું. પીએમ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં અંદાજેથી દોઢ લાખથી વધારે નવી રોજગારીની તકો ઉભી થશે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબંધોન દરમ્યાન કહ્યુંકે, હુરત એટલે હુરત…કામમાં લોચો મારે નહીં અને ખાવામાં જોડે નહીં એ અમારા સુરતીઓ. સુરતનો વિકાસ થશે તો ગુજરાતનો થશે અને ગુજરાતનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. ડાયમંડ બુર્સની ચમક આગળ દુનિયાની મોટી-મોટી ઈમારતોની ચમક ફિક્કી છે, સુરત એટલે સુરત. ટેક્સસ્ટાઈલ, ડાયમંડ અને ટુરિઝમ દરેક સેક્ટરમાં સુરતને લાભ થશે.
આજે સુરત સૌથી ઝડપથી આગળ વધતા શહેરોમાં ટોપ-૧૦માં સ્થાન ધરાવે છે. પહેલાં સુરત સન સીટી હતુ, પછી ડાયમંડ સીટી બન્યું, હવે સુરત યુવાઓ માટે ડ્રીમ સીટી છે. સુરત આઈટીમાં પણ હબ બની રહ્યું છે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવી એક ઈતિહાસ રચ્યો છે. તો આ સાથે પીએમ મોદીએ જણાવ્યુ કે પહેલા સુરતને સનસિટી તરીકે ઓળખવામાં આવતી હતી. તે હવો બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યુંકે, તમે મોદીની ગેરંટીની ચર્ચા સાંભળતા હશો, પણ સુરતીઓ મોદીની ગેરંટીને બહુ પહેલાંથી જાણે છે. અહીંના લોકોએ મોદીની ગેરંટીની સચ્ચાઈમાં બદલાતા જોયું છે. સુરત ડાયમંડ બુર્સ પણ મોદીની ગેરંટીનું મોટું ઉદાહરણ છે. રફ અને પોલિશ્ડ ડાયમંડના ટ્રેડિંગનું મોટું હબ બનશે. આજે ૧૫ એકર ગ્રીન એરિયામાં બનીને તૈયાર છે ડાયમંડ બુર્સ. વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ છે
સુરત ડાયમંડ બુર્સ. સુરત ડાયમંડ બુર્સ થી દોઢ લાખ નવા લોકોને રોજગારી મળશે. મારી ત્રીજી પારમાં ભારત દુનિયાની ટોપ-૩ ઈકોનોમિમાં જરૂર સામેલ થશે. સરકારે આગામી ૨૫ વર્ષનો ટાર્ગેટ પણ નક્કી કર્યો છે. જેમ્સ જ્વેલરી એક્સપોર્ટમાં ડબલ ડિઝિટમાં પહોંચવાનો સુરતે ટાર્ગેટ રાખવો જોઈએ. તમારા દરેક પ્રયાસમાં સરકાર તમારી સાથે ઉભી રહેશે. વિવિધ ભાષાઓ શીખી જાઓ, દુનિયાના દેશો અહીં કામ-ધંધા માટે આવશે ત્યારે લેંગ્વેજ ઈન્ટરપ્રિનર તરીકે પણ રોજગારી મળશે.
પીએમ મોદીએ જણાવ્યુંકે, સુરતનું જુનું એરપોર્ટ સાવ ઝૂંપડી જેવું હતું. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. ડાયમંડ બુર્સ નવા ભારતની તાકાતનું પ્રતીક છે. સુરતમાં વેપારીકરણ વધારવા માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કેન્દ્ર સરકાર વધુ ને વધુ ખર્ચ કરશે. સુરતને તમામ આધુનિક પ્રોજેક્ટ સાથે ભારત સરકાર જોડી રહી છે. તમામ પ્રકારે આધુનિક કનેક્ટીવી ધરાવતું સુરત એક માત્ર શહેર છે. સુરત આગળ વધશે તો ગુજરાત આગળ વધશે, ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે. સુરતમાં મીની ભારત વસે છે.
સુરતથી દુબઈ અને હોંગકોંક સાથે ફ્લાઈટ શરૂ થશે. ગુજરાતમાં હવે અમદાવાદ, સુરત અને વડોદરા ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા છે. દરેક સેક્ટરને લાભ થશે.
પીએમ મોદીએ જણાવ્યુંકે, સુરત સાથે મારો આત્મીય લગાવ છે. સુરતે મને ઘણું બધુ શીખવ્યું છે. જ્યારે સૌનો પ્રયાસ હોય છે તો મોટો પડકાર આસાન લાગે છે, સુરતની માટીમાં કંઈક વાત છે તેને સૌથી અલગ બનાવે છે. સુરતીઓના સામર્થ્યનો કોઈ મુકાબલો નથી.
સુરતની યાત્રા ખુબ ઉતાર ચઢાવવાળી રહી છે. અંગ્રેજો પણ આ શહેરનો વૈભવ જોઈને અંજાઈ ગયા હતાં. પહેલાં સૌથી મોટા જહાજો પણ અહીં જ બનતા હતાં. એક સમયે ૮૪ દેશોના શીપના ઝંડા અહીં ફરકાતા હતાં. હવે ૧૨૫ દેશોના ઝંડા અહીં લહેરાશે. ગંભીર બીમારીઓ અને પુરથી પણ સુરત ઉભીને બહાર આવ્યું. સુરત પાસે ગજબની શક્તિ છે.