Western Times News

Gujarati News

યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૩,૯૪૫ અસરગ્રસ્ત નાગરિકો સ્વગૃહે પરત:  કુલ ૩૧,૦૩૫ નાગરિકોનું સ્થળાંતર : આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર : અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા અનુરોધ કરતા મંત્રી

અત્યારસુધીમાં પ્રતિ વ્યક્તિ રૂ. ૪ લાખ લેખે કુલ પાંચને રૂ. ૨૦ લાખની સહાય ચૂકવાઈ 

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૧,૦૩૫ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.Assistance will be provided for damaged houses and huts by conducting a survey on a war footing

જે પૈકી કુલ ૨૩,૯૪૫ નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે, જ્યારે ૭,૦૯૦ નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાંછે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારસુધીમાં કુલ ૫૭૫ નાગરિકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ સહાયની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારા-ધોરણ મુજબ મૃત્યુ પામેલાં તમામને પ્રતિ વ્યક્તિ રૂ. ૪ લાખની સહાય આપવા કલેકટરશ્રીઓને સૂચના આપી હતી.

જે અન્વયે અત્યારસુધીમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલાં પાંચ નાગરિકોને કુલ રૂ. ૨૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે,જયારે બાકીના તમામને બનતી ત્વરાએ સહાય ચૂકવવામાં આવશે. તા. ૭ જુલાઈથી અત્યાર સુધીમાં કુલ ૩૧ નાગરિકોના મૃત્યુ થયા છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત્યુ પામેલા પશુઓ માટે નિયમ મુજબ સહાય જાહેર કરાઈ છે, જેમાં ગાય, ભેંસ, ઊંટ જેવાં દૂધાળા પશુ માટે રૂ. ૩૦,૦૦૦, ઘેટા-બકરાં વગેરે માટે રૂ. ૩,૦૦૦ તેમજ બિન દૂધાળાપશુ જેવાં કે, બળદ, ઊંટ, ઘોડાવગેરે માટે રૂ. ૨૫,૦૦૦, રેલ્લો, ગાયનીવાછરડી, ગધેડો, પોની વગેરે માટે રૂ. ૧૬,૦૦૦ની સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત મરઘા પશુ સહાય માટે પ્રતિ પક્ષી રૂ. ૫૦ લેખે પ્રતિ કુટુંબની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ની સહાય અપાશે. રાજ્યમાં વધુ વરસાદથી સમતલ-સપાટ વિસ્તારમાં સંપૂર્ણ નુકશાન પામેલાં પ્રતિ મકાન દીઠ રૂ. ૯૫,૧૦૦ અને પર્વતીય વિસ્તાર માટે રૂ. ૧,૦૧,૯૦૦, જયારે નાશ પામેલાં પ્રતિ ઝૂંપડા લેખે રૂ. ૪,૧૦૦ની સહાય આપવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય તેમજ કેશડોલ અપાશે. રાજ્યમાં વરસાદવાળા મોટાભાગના વિસ્તારોમાં એસ.ટી. બસના રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે.

રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.