સુર્યકુમાર ટી૨૦ રેન્કિંગ બેટસમેનમાં ટોચ ઉપર
નવી દિલ્હી, ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને તાજેતરની આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઈશાન કિશન ૧૦ સ્થાનની છલાંગ લગાવીને ૨૩મા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે શ્રીલંકા સામે વર્ષની પહેલી જ મેચમાં ૨૩ બોલમાં ૪૧ રન બનાવનાર દીપક હુડા પણ ટોપ ૧૦૦માં સામેલ થઈ ગયો છે.
હુડ્ડાએ ૪૦ સ્થાનના છલાંગ સાથે ૯૭મું સ્થાન મેળવ્યું છે. ઇશાને પ્રથમ ટી૨૦ મેચમાં ૩૭ રનની ઇનિંગ રમી હતી. ગયા વર્ષે નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની પ્રથમ ટી૨૦ મેચમાં નિષ્ફળ ગયો હતો, તેમ છતાં તે નંબર વન પર યથાવત છે. વાનખેડેમાં સૂર્યાએ માત્ર ૭ રન બનાવ્યા હતા. સૂર્યા સિવાય ટોપ ૧૦માં કોઈ ભારતીય બેટ્સમેન નથી. નવા ટી૨૦ કેપ્ટન હાર્દિક પંડ્યાના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે હવે બોલિંગ રેન્કિંગમાં ૭૬માં સ્થાને પહોંચી ગયો છે.
શ્રીલંકાના દૃષ્ટિકોણથી, વાનિન્દુ હસરંગા બોલરોની રેન્કિંગમાં ટોચ પર છે. તેણે ભારત સામે પ્રથમ ટી૨૦ મેચમાં ૨૨ રન આપીને ૧ વિકેટ લીધી હતી. તેણે બેટિંગમાં પોતાનો હાથ બતાવતા ૨૧ રનની ઇનિંગ પણ રમી હતી, જેના કારણે તે ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ૨ સ્થાન આગળ વધીને ૫મા સ્થાને પહોંચી ગયો છે. બોલિંગમાં કોઈ ભારતીય બોલર ટોપ ૧૦માં નથી. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વધુ બે ટી૨૦ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતના બેટ્સમેન અને બોલરો પાસે આગામી દિવસોમાં પોતાની સ્થિતિ સુધારવાની તક છે.