ફાયર બ્રિગેડ ભરતીમાં કૌભાંડની શંકા, ઉમેદવારે તપાસની માગ કરી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનમાં તાજેતરમાં ફાયર બ્રિગેડમાં ઉચ્ચ અધિકારીઓની ભરતીમાં પણ કૌભાંડ થયો હોવાની આશંકા વ્યક્ત કરતા એક ઉમેદવાર દ્વારા ફાયરની ભરતીમાં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માર્કના રિચેકીંગ કરવાની માગણી સાથે અમદાવાદ મ્યુનિ. કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.
ઉમેદવાર દ્વારા આરટીઆઈ દ્વારા ભરતી અંગેની વિગતો માંગવામાં આવી હતી. પરંતુ કોર્પાેરેશન દ્વારા માહિતી આપવાનો ઈનકાર કરી દેવામાં આવતા ફાયરની ભરતીમાં પારદર્શકતા સામે પ્રશ્ન ઉપસ્થિત કરી ઉમેદવાર દ્વારા માર્કની ચકાસણી કરવા રજૂઆત કરી છે.
એએમસીના એન્જિનીયરિંગ વિભાગમાં ૯૩ સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી પ્રક્રિયામાં ત્રણ ઉમેદવારોના માર્કમાં ઉમેરો કરીને ભરતી કૌભાંડના મામલો હાલમાં ચર્ચા છે.
આ ચર્ચા વચ્ચે હવે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓની ભરતીને લઈને એક ઉમેદવાર દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉમેદવાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર ઓફિસરની ભરતીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પરીક્ષામાં પાસ પણ થયા હતા અને ઈન્ટરવ્યૂમાં પણ સામેલ થયા હતા.
જોકે, પસંદગીને લઈને ઉમેદવારને નારાજગી હોવાથી તેમણે તપાસની માગણી કરી છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાની માગણી સાથે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના માર્ક અંગે રિચેકીંગ કરવા પણ પત્રમાં જણાવાયું હતું.
ઉમેદવાર દ્વારા ભરતી પ્રક્રિયાને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં બીજાના ગુણ આપી શકાય નહીં તેમ કહી માહિતી આપવામાં આવી ન હતી. જેથી ભરતી પ્રક્રિયાની પારદર્શકતા સામે ઉમેદવારે પ્રશ્ન ઉઠાવ્યો છે.
તાજેતરમાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કૌભાંડમાં હેડ ક્લાર્ક પુલકિત સથવારાની સંડોવણી સામે આવી છે. ફાયર વિભાગની ઉચ્ચ અધિકારીઓની ભરતી માટેની પ્રક્રિયા સમયે પણ પુલકીત સથવારા હાજર હોવાનું ઉમેદવાર દ્વારા જણાવાયું હતું.
ફાયર વિભાગની ભરતીમાં પરીક્ષા લેવાથી લઈને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા ત્યારે દરેક જગ્યાએ પુલકિત સથવારાની હાજરીને પગલે ફાયર બ્રિગેડના અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં પણ તેની સંડોવણી હોવાની શક્યતા પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડમાં અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા સહિત સીલેક્શન ટેસ્ટમાં ઉમેદવાર ઉત્તીર્ણ થયો હોવા છતાં તેને ઈન્ટરવ્યૂમાં કોઈ પ્રકારે ધ્યાનમાં લેવાયો નહોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.SS1MS