Western Times News

Gujarati News

ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી ગેરરીતિ મામલે એક કરતા વધુ લોકોની સંડોવણી હોવાની શંકા

પ્રતિકાત્મક

હેડ કલાર્ક દ્વારા કોમ્પ્યુટરમાં ગેરરીતિ કરવામાં આવી હોય તો તેની ઓરીજીનલ ફાઈલ તેની પાસે ક્યાંથી આવી તે પ્રશ્ન બને છે.

જડબેસલાક ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કેવી રીતે થઈ: ચર્ચાનો વિષય

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ટેકનીકલ સુપરવાઈઝરની ભરતીનો મુદ્દો વધુ ગંભીર બની ગયો છે. મ્યુનિ. સેન્ટ્રલ ઓફિસની ગેરરીતિને ઢાંકપીછોડો કરવા શાસકો મેદાને પડ્યા હતા.

પરંતુ તેમને પણ આ કૌભાંડની ગંભીરતા સમજાતા મેયરે કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી માંગણી કરી છે. બીજી તરફ સેન્ટ્રલ ઓફિસ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે તે એટલી જડબેસલાક છે કે તેમાં હેડ કલાર્ક કક્ષાના અધિકારી ગેરરીતિ કે ચેડા કરે તેવી શક્યતા બીલકુલ નહીવત છે. તેથી આ સમગ્ર મામલે કોની ભુલ કે ગેરરીતિ છે તે યક્ષ પ્રશ્ન બની રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ૯૩ ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી કરવામાં આવી છે. જે પૈકી ૩ ઉમેદવારના માર્કસ સાથે ચેડા કરી તેમની પસંદગી થઈ હોવાની વિગતો બહાર આવતા જ કોર્પોરેશનમાં દોડધામ મચી ગઈ હતી તથા સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર અને એચઓડીની સાથે શાસકો પણ ઢાંકપીછોડો કરવા લાગ્યા હતા. પરંતુ  ટેકનીકલ સુપરવાઈઝરની પરીક્ષા જે પધ્ધતિથી લેવામાં આવી છે તેમાં કોઈ નીચલી કક્ષાના અધિકારી ચેડાં કરે તેમ માની શકાય તેમ નથી.

જાણકાર સુત્રોએ જણાવ્યા મુજબ જયારે પણ આવી રીતે લેખિત પરીક્ષાથી ભરતી કરવામાં આવે છે ત્યારે તે જીટીયુ, યુનિવર્સિટી કે એલ.ડી એન્જીનીયર પૈકી કોઈ એક એજન્સીને કામ સોંપવામાં આવે છે. ટેકનીકલ સુપરવાઈઝરની ભરતી મામલે યુનિવર્સિટીને કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્સી પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆર સીટના સ્કેનીંગ કરી મેરીટ સીટ સાથે જ આપતા હોય છે.

મેરીટ સીટની સાથે હાર્ડ કોપી અને સીડીના સ્વરૂપમાં સોફટ કોપીઓ આપવામાં આવે છે OMR સીટને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે. જયારે જે એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી હોય તે એજન્સી અલગથી એક પાસવર્ડ આપે છે જે મ્યુનિ. કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર (એડમીન)ને ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે.

અથવા સીલ બંધ કવરમાં આપે છે જે સેન્ટ્રલ ઓફિસના એચઓડી દ્વારા કમિશનર કે ડેપ્યુટી કમિશનરની હાજરીમાં જ ખોલવામાં આવે છે. એજન્સી દ્વારા જે મેરીટ લીસ્ટ આપવામાં આવે છે તે પણ કમિશનર અને ડેપ્યુટી કમિશનરના કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થાય છે અને ઓરીજીનલ સેટ પણ આ બંને પાસે રહેતો હોય છે.

મ્યુનિ. કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં જે એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી હોય તેસ્ઇ સીટ, મેરીટ અને આઈડી પાસવર્ડ મોકલી આપે છે ત્યારબાદ સેન્ટ્રલ ઓફિસ દ્વારા તેને સીરીયલ નંબર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે મતલબ કે જેના સૌથી વધારે માર્કસ હોય તેને નંબર ૧ આપવામાં આવે છે જેના માટે એક્સેલ ફાઈલની સ્કુટીની કરવામાં આવે છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની ચકાસણી ઓ.એસ.ડી., હેડ કલાર્ક દ્વારા તેની ચકાસણી થાય છે ત્યારબાદ એચઓડી કક્ષાએ તેની ચકાસણી કર્યાં બાદ ડેપ્યુટી કમિશનર સમક્ષ ઠરાવ કરવા મોકલી આપવામાં આવે છે. આ ઠરાવ સમયે ડેપ્યુટી કમિશનર સહિત તમામ લેવલે ચેકિંગ થાય છે અને ત્યારબાદ જ તેનો ઠરાવ પડે છે. જેમાં ડેપ્યુટી કમિશનર, એડમીન અને ચીફ ઓડીટરની સહી રહે છે

તેથી કોમ્પ્યુટર ઓપરેટર કે હેડ કલાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હોય તો પણ તેની ઓરીજીનલ કોપીમાં ફેરફાર થઈ શકયો નથી કારણ કે તે ડેપ્યુટી કમિશનર પાસે રહે છે. જયારે આ કિસ્સામાં હેડ કલાર્ક દ્વારા છેડછાડ કરવામાં આવી હોવાનુ જણાવી તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે મામલે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

ટેકનીકલ સુપરવાઈઝરની પરીક્ષામાં બે વખત મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ વખત જે મેરીટ લીસ્ટ જાહેર થયા તેની સામે ફરિયાદ થતાં બીજી વખત પણ મેરીટ લીસ્ટ જાહેર કરવાની ફરજ પડી હતી. હવે આ કિસ્સામાં જો પ્રથમ વખત હેડ કલાર્ક દ્વારા કોમ્પ્યુટરમાં ગેરરીતિ કરવામાં આવી હોય તો તેની ઓરીજીનલ ફાઈલ તેની પાસે ક્યાંથી આવી તે પ્રશ્ન બને છે.

જો આ કિસ્સામાં ઓરીજીનલ ફાઈલ હેડકલાર્ક પાસે હતી ત્યારે તેણે યુનિવર્સિટીના સહી સિક્કા બાકી હોવાનું જણાવી ફરીથી સહી સિક્કા રૂબરૂ જઈ કરાવ્યા હતા તેવા આક્ષેપ થયા છે. પરંતુ જયારે બીજી વખત મેરીટ લીસ્ટ જાહેર થયું તે સમયે પણ હેડકલાર્ક પાસે ઓરીજીનલ ફાઈલ કેવી રીતે આવી અને યુનિવર્સિટીના બીજી વખત પણ સહી સિક્કા બાજુ હોય તેવી કઈ રીતે બને તે ચર્ચાનો વિષય છે. જયારે

સૌથી પેચીદો પ્રશ્ન એ છે OMR સીટ અપલોડ થયા બાદ તેને માત્રને માત્ર ઉમેદવાર જ જોઈ શકે છે. કારણ તેમાં ઉમેદવારની જન્મ તારીખ નાખવી ફરજીયાત છે આ કિસ્સામાં જે પાર્ટીએ ફરિયાદ કરી છે તેની પાસે એક સાથે ત્રણ ઉમેદવારોની જન્મ તારીખની વિગતો કઈ રીતે આવી તે પણ સંશોધનનો વિષય બને છે. આ મામલે એક કરતા અનેક લોકો સંડોવાયેલા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.