Western Times News

Gujarati News

તમે જે પનીર અને ચીઝ આરોગો છે તે ભેળસેળયુક્ત દૂધમાંથી તૈયાર થયેલું હોઈ શકે છે?

પ્રતિકાત્મક

દૂધના જથ્થામાં માલ્ટો ડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ કરવામાં આવી રહી હતી.  (માલ્ટોડેક્સ્ટ્રિન એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, તે ચોખા, મકાઈ, ઘઉં અથવા બટાકાની સ્ટાર્ચમાંથી સફેદ પાવડરના રૂપમાં આવે છે. તેના ઉત્પાદકો પહેલા તેને રાંધે છે, પછી તેને વધુ તોડવા માટે એસિડ અથવા ઉત્સેચકો ઉમેરે છે.)

ટેન્કર અને પેઢી ખાતેથી મળી આવેલા કુલ રૂ. ૪.૧૭ લાખની કિંમતના ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળ યુક્ત દૂધનો નાશ કરાયો-શંકાસ્પદ ચીઝ અને પનીરનો પણ રૂ. ૮૩,૦૦૦ની કિંમતનો ૩૦૭ કિ.ગ્રા. જથ્થો જપ્ત

ગાંધીનગરથી પાલનપુર લઇ જવામાં આવી રહેલા બિન-આરોગ્યપ્રદ દૂધના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂ. ૮૩,૦૦૦ની કિંમતનો ૩૦૭ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટો ડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી.

આ ટેન્કર પાલનપુરના મે. સધી માં મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું. પેઢીના માલિક શ્રી લક્ષ્મણભાઈ મોદીની હાજરીમાં દૂધના ૧૧ નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ દૂધનો રૂ. ૧.૬૮ લાખની કિંમતનો ૪૭૮૧ લીટર જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.

દૂધનો આ જથ્થો ગાંધીનગરની મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા પેઢી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢી દ્વારા ઉત્પાદિત થતા દૂધની તપાસ કરતા તેમાં પણ માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જેના આધારે પેઢીના મેનેજર શ્રી મહેન્દ્રભાઈ શુક્લાની હાજરીમાં દૂધના ૭ અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો ૦૧ નમૂનો મળી કુલ ૦૮ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫,૦૦૦ લીટર દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત  પેઢીમાંથી પનીર અને ચીઝ જેવી દૂધની બનાવટોની તપાસ કરતા તે પણ શંકાસ્પદ જણાઈ હતી. પેઢી ખાતેથી ચીજનો ૦૧ અને પનીરના ૦૨ મળી કુલ ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. ૮૨,૯૭૬ની કિંમતનો આશરે ૩૦૭ કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

માલ્ટોડેક્સ્ટ્રિન એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, પરંતુ તે તીવ્ર પ્રક્રિયામાંથી પસાર થાય છે. તે ચોખા, મકાઈ, ઘઉં અથવા બટાકાની સ્ટાર્ચમાંથી સફેદ પાવડરના રૂપમાં આવે છે. તેના ઉત્પાદકો પહેલા તેને રાંધે છે, પછી તેને વધુ તોડવા માટે એસિડ અથવા ઉત્સેચકો ઉમેરે છે. અંતિમ ઉત્પાદન તટસ્થ સ્વાદ સાથે પાણીમાં દ્રાવ્ય સફેદ પાવડર છે. પાવડરનો ઉપયોગ ખાંડને બદલવા અને તેની રચના, શેલ્ફ લાઇફ અને સ્વાદને સુધારવા માટે ઉપરના ખોરાકમાં ઉમેરણ તરીકે થાય છે. જો તમને સેલિયાક રોગ છે, તો માલ્ટોડેક્સ્ટ્રિન સાથેનો ખોરાક ખાવા વિશે સાવચેત રહો. જો તેનો સ્ત્રોત ઘઉં હોય તો પાવડરમાં ગ્લુટેનના નિશાન હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.