SUV કાર આઈસર સાથે પાછળથી અથડાતા અમદાવાદના દંપત્તિના સ્થળ પર જ મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Shahibaug.jpg)
એનિવર્સરી વિશ કરીને આવતા શાહીબાગના પરિવારને અકસ્માત નડયોઃ દંપતીનું મોત- પુત્ર પુત્રીને સામાન્ય ઈજા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઈવે પર ગત મોડી રાતે અકસ્માતનો બનાવ બન્યો છે. દંપતી ગાડીમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યું હતું ત્યારે આગળ ચાલી રહેલી આઈસર ગાડી સાથે અકસ્માત થયો હતો. આઈસરની અડફેટે આવી જતાં પતિ-પત્નીના મોત થયા છે.
જ્યારે બે બાળકોને સામાન્ય ઈજા થઈ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે પ૦૦ મીટર વડોદરા તરફથી ફોર વ્હીલ લઈને વિશાલ ગણપતલાલ જૈન (રહે.મયૂર ફલેટ, જૈન કોલોની, શાહીબાગ) પત્ની ઉષા અને બાળકો સાથે આવી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડયો હતો.
વિશાલની કાર આઈસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વિશાલ અને ઉષાના મોત થયા છે. બનાવની જાણ ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચ્યા હતા. બે બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિશાલના ભાઈ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, વિશાલની સાળીની એનિવર્સરી હોવાથી સુરત ગયા હતા અને સુરતથી ગઈકાલે તેઓ રાતે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના સાળાને તેઓ બરોડા મૂકીને બરોડા એકસપ્રેસ હાઈવે પરથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં તેમના બે બાળકોના જીવ બચી ગયા છે. બન્નેની સ્થિતિ અત્યારે સારી છે.
અમને આ અંગે પોલીસ તરફથી જાણ કરવામાં આવતાં અમે સ્થળ પર પહોંચ્યા હતા. વિશાલ સ્ક્રેપનો વ્યવસાય કરતા હતા. મૃતકના બે બાળકો છે જેમાં આઠ વર્ષની બાળકી છે જ્યારે એક પાંચ વર્ષનો બાળક છે. મૃતકના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી પણ છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જ્યારે પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. આઈ ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.