SVP હોસ્પિટલના ડોક્ટરોએ રેર ઓફ ધ રેર સર્જરી કરી
હિસ્ટેકટોમી સર્જરી દ્વારા મહિલાના પેટમાંથી ૫ કિલોની ગાંઠ કાઢવામાં આવી
(એજન્સી)અમદાવાદ, શહેરનીએસવીપી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યલ સારવાર મળતી ન હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. ૫૫ વર્ષની મહિલાના પેટમાંથી પાંચ કિલોની ગાંઠ કાઢવા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
એસવીપીના ડોક્ટરો દ્વારા ૨૫×૨૫×૨૮ની સાઈઝની ગાંઠ કાઢવામાં આવી છે. હિસ્ટેકટોમી સર્જરી દ્વારા આ ગાંઠ કાઢવામાં આવી હોવાની વાત સામે આવી છે.
તો બીજી તરફ આજે એસવીપી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યલ સારવાર મળતી ન હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જુનિયર તબીબો દ્વારા સારવાર કરાતી હોવાના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, યોગ્ય સારવાર ન મળતી હોવાથી અનેક કેસમાં દર્દીનું મોત થતું હોવાની ફરિયાદ મળી છે. એસવીપી હોસ્પિટલ પ્રશાસન યોગ્ય સારવાર કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે.
એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં એનજીયોગ્રાફીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. મેટની બેઠકમાં એન્જીયોગ્રાફીના દર અંગે ર્નિણય લેવાયો છે. હવેથી જનરલ વોર્ડમાં એન્જીયોગ્રાફી માત્ર ૮૦૦૦ રૂપિયામાં કરવામાં આવશે. અગાઉ જનરલ વોર્ડના દર્દીઓની એન્જીયોગ્રાફી ૧૯૦૦૦ ના દરે કરવામાં આવતી હતી.
સેમી સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી ૧૬૦૦૦ ના દરે કરવામાં આવશે.આ અગાઉ સેમી સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી ૩૮૯૦૦ ના દરે કરવામાં આવતી હતી. સ્પેશ્યલ વોર્ડમાં દર્દીઓની એન્જીયોગ્રાફી ૨૪૦૦૦ ના દરે કરવામાં આવશે. જે પહેલા સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી ૫૫૩૫૦ ના દરે કરવામાં આવતી હતી. સરેરાશ ૫૭ થી ૫૯ ટકાનો ઘટાડો કરવાનો એએમસીએ ર્નિણય લીધો છે.