SVP હોસ્પિટલમાં ફરી શરૂ કરાઇ આયુષ્માન કાર્ડ સેવા
અમદાવાદ, અમદાવાદની SVP હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સેવા શરૂ કરવામાં આવી છે. જેના લીધે હજારો દર્દીઓને તેનો લાભ મળશે. AMC દ્વારા આયુષ્માન કાર્ડ સેવા શરૂ કરવામાં આવી છે. આથી હવે SVPમાં દર્દીઓને મફત સેવાઓનો લાભ મળશે. નોંધનીય છે કે, કોરોનાના કારણે આયુષ્માન કાર્ડ બંધ હતા.
પરંતુ અનેક રજૂઆત બાદ અંતે આયુષ્માન કાર્ડ સેવા SVP હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી.ઉલ્લેખનીય છે કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં છેલ્લાં ઘણા સમયથી આયુષ્માન કાર્ડથી સારવાર ચાલુ કરવા અંગેની માંગ ઉઠી રહી હતી. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી.
ગત વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા બાદ અંતે ૧૬ જૂન ગુરૂવારથી હવે SVP હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારે SVP હોસ્પિટલમાં ફરીવાર આયુષ્માન કાર્ડ સારવાર શરૂ કરાતા હજારો દર્દીઓને તેનો લાભ મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફતમાં સારવારનો લાભ મળશે.
તમને જણાવી દઇએ કે, ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ‘૧૬ જૂન સાંજથી SVP હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સેવા શરૂ કરવામાં આવી છે. માર્ચ મહિનામાં વિધાનસભામાં આ મામલે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આયુષ્માન કાર્ડ શરૂ કરવામાં ન હતું આવ્યું.
પરંતુ આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા બાદ હવે SVP હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડની સારવાર શરૂ કરાઇ છે.’વધુમાં જણાવ્યું કે, SVP હોસ્પિટલને લગભગ રૂ. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જ્યારે SVP હોસ્પિટલ ચાલુ કરવામાં આવી અને વી.એસ. હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી એ સમયે પણ સતત બે મહિના સુધી મારા દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.
‘વી.એસ. બચાવો’ આંદોલનના અનુસંધાને મુખ્યમંત્રી સાથે મારે રૂબરૂમાં ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રીએ વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી સેવાઓ બંધ થતાં ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સારવારથી વંચિત ન રહે તે માટે SVP માં આયુષ્માન અને વાત્સલ્ય યોજનાનો લાભ આપવા અંગે બાંહેધરી આપી હતી.
પરંતુ છેલ્લાં બે વર્ષથી એટલે કે કોરોનાની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી SVP માં આયુષ્માન કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંતર્ગત લોકોને સારવાર આપવાનું સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ અંતે ફરીવાર SVP હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સેવા શરૂ કરી દેવાઇ છે. જેના લીધે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મફતમાં સારવારનો લાભ મળશે.’SS2KP