SVP હોસ્પીટલના બાઉન્સરોએ દર્દી અને તેની માતાને ફટકાર્યા
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પીટલમાં દર્દીઓ અને સગાઓ સાથે ગેરવર્તનની ઘટનાઓ વધી રહી છે. એસવીપી હોસ્પીટલમાં બુધવારે બપોરના સમયે બાઉન્સરોએે એક દર્દી અને તેની માતાને માર માર્યાની ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. દર્દીની માતાએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવી બંન્ને પક્ષોમાં સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો.
જૂનાવાડજ વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની માતા સાથે બપોરના સમયે એસવીપી હોસ્પીટલમાં આવ્યો હતો. સીટી સ્કેન સહિતના રીપોર્ટ કરાવ્યા હતા. પછી સીટી સ્કેનનો રીપોર્ટ લેવા માટે રીપોર્ટ બારીએ વારંવાર ધક્કા ખાધા હતા. પણ તેને રીપોર્ટ આપવમાં આવતો નહોતો વિલંબ થયો હતો એ મુદ્દે બોલાચાલી થઈ હતી. પછી યુવાન સાથે આવેલી તેની માતાએ એવો આક્ષેપ કર્યો છે કે ફરજ ઉપર હાજર કેટલાક બાઉન્સરોએ તેમની સાથે મારામારી કરી હતી.
જેથી તેમણે પોલીસ બોલાવી હતી. તો બીજી તરફ એસવીપી હોસ્પીટલવાળાએ દર્દીએ અયોગ્ય વર્તન કર્યુ હોવાના આક્ષેપ કર્યા હતા. જા કે આ વિવાદ બાદ હોસ્પીટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ આવી હતી પણ તેણે ફરીયાદ લેવાને બદલે બંન્ને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડી દીધો હતો.