SVP હોસ્પિટલમાં 7 મહિનાના કેન્સરગ્રસ્ત બાળકની સફળ સર્જરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલ ખાતે 7 મહિનાના બાળ દર્દીની લીવર કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી. ભુજના બાળકને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાં કેટલીક સારવાર થયા બાદ વધુ સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની લીવરનો ભાગ કાઢીને બાળકને નવજીવન આપવામાં આવ્યું છે.
એસ.વી.પી.હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યા મુજબ સોનીવાલ ભુજ ખાતે રહેતા અબરાર નજીમ મણિયાર નામના 7 મહિનાના બાળકને પેટના ડાબી બાજુના ભાગમાં ગાંઠ હોવાથી સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
નિયમિત લોહીની અને રેડીયોલોજીકલ તપાસ બાદ દર્દીને હેપેટોબ્લાસ્ટોમા (લીવર કેન્સર)ની બીમારી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (કેન્સર) હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં 11 મહિના સુધી 8 સાયકલની કેમોથેરાપી આપવામાં આવી હતી.
દર્દીના સગાઓને યોગ્ય સારવાર માટે લેફ્ટ હિપેટિક રિસેક્શનની જરૂરિયાત વિશે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ દર્દીને સારવાર માટે કેન્સર હોસ્પિટલમાંથી ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે ત્રણ ડિસેમ્બર 2024ના રોજ દદીને SVP હોસ્પિટલ ખાતેનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેની તમામ તપાસ કર્યા બાદ પીડીયાટ્રીક સર્જરી વિભાગનાં ડો.સુધીર ચંદના (એચ.ઓ.ડી), ડો. ઉર્વિસ પરીખ અને ડો રામેન્દ્ર શુકલાના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા કેન્સર માંસ (હેપેટોબ્લાસ્ટોમા) સાથે ડાબી બાજુનું લીવરનો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. સફળ ઓપરેશન થયા બાદ આજે બાળકની હાલત ખૂબ જ સારી છે અને થોડા દિવસમાં તેને રજા પણ આપવામાં આવશે.