મલાઈ ખાય ‘મેટ’…. ભોગવે વી.એસ.: SVPના સ્ટાફને વી.એસ.માંથી દર વર્ષે પગાર પેટે રૂ.૬ કરોડ ચુકવાયા
ર૦૧૮માં તત્કાલિન કમિશનરે કરેલા ઠરાવને ‘મેટ’ના સંચાલકો ઘોળીને પી ગયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧માં કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને મ્યુનિ. શાસકોએ ર૦૧૩માં માત્ર એક જ ઠરાવ કરી તેના મુળ માળખામાં પરિવર્તિત કરી હતી. મતલબ કે ૧૧ર૦ પથારીની હોસ્પિટલને ફરીથી ૧ર૦ પથારીના હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી SVP’s staff was paid Rs. 6 crore as salary every year from VS Hospital Ahmedabad
જેની સામે ટ્રસ્ટી મંડળે બાયો ચડાવતા અંતે પ૦૦ બેડની હોસ્પિટલ ચલાવવા માટે શાસકોએ મન બનાવ્યું હતું. ત્યારબાદ એસવીપી હોસ્પિટલ શરૂ થવાની હોય વી.એસ.ના સ્ટાફને તેમાં લઈ જવામાં આવ્યો હતો જેના માટે ર૦૧૮ના વર્ષમાં તત્કાલિન મ્યુનિ. કમિશનરે કરેલા ઠરાવને પણ ભુલી જવામાં આવ્યો હતો. પરંતુ અહીં ચોકાવનારી બાબત એ છે કે વી.એસ.માંથી એસવીપીમાં જે કર્મચારીઓ ગયા તેમના તમામ ખર્ચ વી.એસ. હોસ્પિટલ જ ભોગવી રહી છે.
રાજય સરકારની ગ્રાંટમાંથી કાર્યરત થયેલ એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે નિષ્ણાંત તબીબો અને વહીવટી સ્ટાફની તાકીદે જરૂર હતી તેવા સમયે મ્યુનિ. શાસકોએ વી.એસ.ને નામશેષ કરી નિષ્ણાંત તબીબો અને સ્ટાફને એસવીપી હોસ્પિટલમાં શીફટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતાં. આ અગાઉ ર૦૧૮માં તત્કાલિન કમિશનરે વી.એસ.હોસ્પિટલમાં સ્ટાફ કે સાધનો લેવામાં નહીં આવે તેવો ઠરાવ કર્યો હતો જેને પણ તત્કાલીન સત્તાધીશો અને અધિકારીઓ ઘોળીને પી ગયા હતાં.
ત્યારબાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે એસવીપી હોસ્પિટલમાં જે કર્મચારીઓ લઈ જવામાં આવ્યા છે તેમના પગાર અને નિવૃતિના તમામ લાભો ‘મેટ’માંથી જ ચુકવવામાં આવશે. પરંતુ આ જાહેરાત પણ પોકળ સાબિત થઈ છે અને આજની તારીખમાં પણ વી.એસ.માંથી એસવીપીમાં લઈ જવામાં આવેલ કર્મચારીઓના ખર્ચનું ભારણ વી.એસ.ની તીજોરી પર આવી રહયું છે.
શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના આંતરીક સુત્રો પાસેથી પ્રાપ્ય માહિતી મુજબ નાણાંકિય વર્ષ ર૦ર૧-રર, ર૦રર-ર૩, અને ર૦ર૩-ર૪માં વી.એસ.માંથી એસવીપીમાં ગયેલા સ્ટાફને રૂ.૧૮,૦૩,૮૮,રપ૮ ચુકવાયા છે અને ર૦ર૪-રપમાં જોવામાં આવે તો એપ્રિલથી જુલાઈ સુધી ચાર મહિનામાં રૂ.ર કરોડ ૪૧ લાખ ચુકવાયા છે.
આમ છેલ્લા સવા ત્રણ વર્ષમાં રૂ.ર૦ કરોડ ૪પ લાખ જેવી માતબર રકમનું ભારણ વી.એસ.ની તિજોરી પર આવ્યું છે જયારે મેડીકલ કોલેજના ફી ની મલાઈ ‘મેટ’ની તીજોરીમાં જમા થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ર૦રર-ર૩માં ૯૭ કર્મચારી માટે એક મહિનામાં ૪૩ લાખ રૂપિયા ચુકવાયા છે તો બીજા વર્ષે એટલા જ કર્મચારીઓને રૂ.૬પ લાખ પગાર પેટે ચુકવાયા છે.
અહીં વી.એસ. હોસ્પિટલનું ઓડીટ કરનાર મ્યુનિ. ઓડીટ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહયા છે. આટલી માતબર રકમ વી.એસ.માંથી ઘર કરી જતી હોય તેમ છતાં ઓડીટ વિભાગ દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ અંગે કોઈ જ વાંધા લેવામાં ન આવ્યા હોય તે બાબત પણ શંકાસ્પદ માનવામાં આવે છે.