SWACના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફે ‘દાંડી સાઇકલ પ્રવાસ’ ટીમ સાથે ધ્વજ વંદન કર્યું

Ahmedabad, ભારતીય હવાઇદળના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના ઉપક્રમે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ સાથે ‘ફીટ ઇન્ડિયા ચળવળ’ના પ્રચાર અર્થે 22 થી 26 જાન્યુઆરી 2020 દરમિયાન ‘દાંડી’ સાઇકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાઇકલ પ્રવાસમાં એક મહિલા સહિત હવાઇદળના વીસ યોદ્ધાઓએ ભાગ લીધો હતો. 22 જાન્યુઆરી 2020ના રોજ સિનિયર એર સ્ટાફ ઓફિસર એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરન, વી.એમ. દ્વારા આ પ્રવાસને લીલીઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
એર વાઇસ માર્શલ એ.પી. સિંહ AVSM ના નેતૃત્ત્વમાં આ પ્રવાસ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરી હતી તે પ્રસિદ્ધ માર્ગે પરત આવ્યો હતો. ટીમે દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહના સ્મારકથી પ્રારંભ કરીને ગાંધીનગર સુધીનો પ્રવાસ કર્યો હતો અને નવસારી, અંકલેશ્વર, આણંદ, વડસર ખાતે શાળાના બાળકો તેમજ સામાન્ય લોકો સાચે વાર્તાલાપ કરીને ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’નો સંદેશો ફેલાવ્યો હતો.
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ધોટિયા PVSM VSM એ ગાંધીનગરમાં વાયુશક્તિ નગર ખાતે આવેલા SWACના હેડક્વાર્ટર ખાતે 26 જાન્યુઆરી 2020ના રોજ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે વક્તવ્ય આપતા એર માર્શલ એસ.કે. ગોટિયાએ બિન-નવીનીકરણીય ઉર્જા બચાવવા તેમજ સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનો પ્રચાર આપવા માટે હવાઇ દળના તમામ યોદ્ધાઓને પરિવહનના વૈકલ્પિક માધ્યમ તરીકે સાઇકલનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રવાસ ટીમમાં ભાગ લેનારા યોદ્ધાઓની તેમણે પ્રશંસા પણ કરી હતી અને આ પ્રવાસને બિરદાવ્યો હતો.