SWACના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફે જૈસલમેર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Ahmedabad, ભારતીય હવાઇદળના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ સુરેન્દ્ર કુમાર ઘોટિયા, PVSM, VSM 10 અને 11 ફેબ્રુઆરી 2020ના રોજ જૈસલમેરમાં આવેલા એરફોર્સ સ્ટેશનની મુલાકાતે હતા. તેમની સાથે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. જૈસલમેરના એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર શૈલેષ રંજન VSM અને એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના પ્રમુખ શ્રીમતી અનામિકા રંજને તેમનું સ્વાગત કર્યું હતું.
એર માર્શલને આ એરફોર્સ સ્ટેશનની પરિચાલન ભૂમિકાઓ અને કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે બેઝના વિવિધ યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સીમાઓની સુરક્ષામાં આ અગ્ર હરોળના એરફોર્સ બેઝ દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાને બિરદાવી હતી. સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફને સંબોધન દરમિયાન તેમણે ઝડપથી થતા આધુનિકીકરણ અને અસંમિત જોખમોના યુગમાં રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશ્યો કેવી રીતે સિદ્ધ કરવા તે વિશે પોતાનો દૃશ્ટિકોણ રજૂ કર્યો હતો.
હવાઇદળના તમામ યોદ્ધાઓ, નાગરિકો, DSC અને MES કર્મચારીઓએ જટીલ સમસ્યાઓ અને પડકારજનક કાર્યો ઉકેલવામાં અપાર સામર્થ્ય દાખવવા બદલ તેમણે સૌની પ્રશંસા કરી હતી. તેમણે સુધારેલી સેવાકારકતા અને તાલીમ દ્વારા પરિચાલન ક્ષમતાઓ વધારવાની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. નેટવર્ક કેન્દ્રીત કામકાજો માટે નવા લગાવવામાં આવેલા પ્લેટફોર્મ અને ઉપકરણોની કામગીરી અને એકીકૃતતા ઝડપથી શરૂ કરવાની તેમણે વિનંતી કરી હતી.
શ્રીમતી નિર્મલા ઘોટિયાએ હવાઇદળના યોદ્ધાઓની પત્નીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સંગઠન પ્રત્યે તેમની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી. તેમણે જૈસલમેરમાં આવેલી એરફોર્સ સ્કૂલ અને પ્લે સ્કૂલ AFWWA (L)ના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. નવીનીકરણ કરવામાં આવેલું શાળાનું રમતનું મેદાન તેમણે સમર્પિત કર્યું હતું અને આવા દૂરના સ્થળે વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા બદલ પ્રશંસા કરી હતી.