SWAC કમાન્ડરોએ ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ માટેની પ્રતિજ્ઞા
અમદાવાદ, ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ નામની રાષ્ટ્રીય પહેલના અનુસંધાનમાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના વડામથક દ્વારા ‘ફિટનેસ ફોર ગૂડ હેલ્થ – અ વે ઓફ લાઇફ ઇન SWAC’ નામથી ફિટનેસ ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની વાર્ષિક કમાન્ડર્સ પરિષદના સમાપન સમારંભના ભાગરૂપે, આ ડ્રાઇવ અંતર્ગત સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત, સાઇકલિંગ, બેડમિન્ટન, સ્ક્વૉશ અને ગોલ્ફ જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. SWAC જવાબદારી ક્ષેત્રના તમામ કમાન્ડર અને સ્ટાફે અહિં યોજાયાલ વિવિધ કાર્યકર્મોમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. એર માર્શલ એચ. એસ. અરોરા અતિ વિશિષ્ટ સેવા મેડલ એડીસી, એઓસી–ઇન-સી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે સાઇકલીંગ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. બાદમાં તેમણે વિવિધ રમતગમત કાર્યક્રમોના વિજેતાઓ અને સ્પર્ધકોને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા અને કમાન્ડરોની વાર્ષિક પરિષદનું સમાપન કર્યું હતું. એર માર્શલ એચ. એસ. અરોરાએ આ પ્રસંગે તમામ કમાન્ડર્સને તેમના જવાબદારી ક્ષેત્રમાં ફિટનેસ ડ્રાઇવ શરૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
એર માર્શલ એચ.એસ. અરોરા અને શ્રીમતિ બલજીત અરોરાએ વાયુ શક્તિ નગર ખાતે યોજાયેલા AFWWA મેળાની પણ મુલાકાત લીધી હતી અને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના વિવિધ સ્ટેશનોની સંગીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશાળ સંખ્યામાં વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ્સને સ્પર્ધાત્મક કિંમતે રજૂ કરવા બદલ આયોજન સમિતિ અને AFWWA (સ્થાનિક)ની પ્રશંસા કહી હતી. શ્રીમતિ બલજીત અરોરાએ મેળા ખાતે ઉભા કરવામાં આવેલા સ્ટોલને વિવિધ શ્રેણીઓ હેઠળ એવોર્ડ પુરસ્કારો અને પ્રશંસાપત્રો એનાયત કર્યા હતા. બાદમાં તેમણે AFWWA મેળાના સમાપનની જાહેરાત કરી હતી.