છેલ્લા 20 વર્ષમાં SWAGAT ઓનલાઇન કાર્યક્રમમાં જનતા દ્વારા મળેલી 94%થી વધુ ફરિયાદોનું ગુજરાત સરકારે કર્યું સફળતાપૂર્વક નિવારણ
રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલી સાડા પાંચ લાખથી પણ વધુ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે
‘મુખ્યમંત્રીશ્રી પ્રજાના પ્રાણ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે સંપૂર્ણપણે તત્પર અને કાબેલ છે. તેમના સહકાર માટે હું આજીવન તેમનો આભારી રહીશ’ – મનુભાઈ પટેલ, વર્ષ 2005ના સ્વાગત કાર્યક્રમના લાભાર્થી
*વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાગત કાર્યક્રમ ૨૦૦૩ થી શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 20 વર્ષોમાં 94.67% ના સક્સેસ રેશિયો સાથે સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ નાગરિકો દ્વારા પ્રાપ્ત થયેલ કુલ 6,00,642 ફરિયાદોમાંથી 5,68,643 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહિત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે.
રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી સમક્ષ કરી શકે અને તેમની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરી શકાય, તેવા ઉમદા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’
(SWAGAT- સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) ની શરૂઆત કરી હતી. દર મહિનાના ચોથા ગુરૂવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે, અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે.
છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વાગત કાર્યક્રમ શરૂ થયા પછીથી ગુજરાતના સામાન્ય નાગરિકોને તેમના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન મળી રહ્યું છે. 2003માં ગાંધીનગર જિલ્લામાં રહેતા અભેરાજભાઈ ગઢવીના કેસમાં, તેમના 7/12ના જમીન રેકોર્ડમાં તેમના બદલે અન્ય વ્યક્તિનું નામ છેતરપિંડીથી દાખલ કરવામાં આવ્યું હતું. આ માટે સંબંધિત અધિકારીઓ તરફથી તેમને ઘણી હેરાનગતિ પણ થઇ હતી.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ થયા પછી, તેઓએ પોતાની સમસ્યા સીધી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ માટે સંબંધિત જિલ્લા અધિકારીને પગલા લેવા જણાવ્યું હતું અને અભેરાજભાઈની ફરિયાદનો નિકાલ કરાવી આપ્યો હતો. તેઓએ સ્વાગત કાર્યક્રમના સફળ અમલીકરણ માટે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માન્યો હતો.
આ જ રીતે ઉકાઇમાં રહેતા શ્રી મનુભાઈ પટેલને દુકાન માટે પ્લોટ ફાળવવામાં અન્યાય થતો હોવાની ફરિયાદ હતી. તેમને જી.ઇ.બી., ઉકાઇ ખાતે દુકાનનો પ્લોટ ફાળવવામાં અઢાર વર્ષથી અન્યાય કરવામાં આવતો હતો. ઘણા પત્રવ્યવહાર અને પ્રયત્નો પછી પણ તેમનો પ્રશ્ન હલ થયો ન હતો.
ત્યારે તેઓએ વર્ષ 2005માં સ્વાગત કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરી. મનુભાઈએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ મને આવકાર આપ્યો, મારી સમસ્યા રૂબરૂ સાંભળી અને તેનો અભ્યાસ કર્યો.
ત્યારબાદ મને થયેલા અન્યાય બાબતે સંબંધતિ અધિકારીઓને સૂચના આપી અને મને તાત્કાલિક ન્યાય અપાવ્યો. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી પ્રજાના પ્રાણ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ તત્પર અને કાબેલ છે. મને ન્યાય અપાવવા તેઓએ સંપૂર્ણ સહકાર આપ્યો છે અને તે માટે હું આજીવન તેમનો આભારી રહીશ.
ગુજરાત રાજ્યના આવા અનેક સામાન્ય નાગરિકોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમ દ્વારા સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ કંડારેલી રાહ પરથી પ્રેરણા લઈને ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સ્વાગત કાર્યક્રમની બાગડોર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ સ્વાગત કાર્યક્રમ મારફતે રાજ્યના નાગરિકોની ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર અને ક્લાસ વન ઓફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
આ ઉપરાંત, લોક ફરિયાદ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં નાગરિકો સ્વાગત યુનિટ પર પોતાની ફરિયાદની અરજીઓ ઓનલાઇન નોંધાવે છે અને ત્યારબાદ આ અરજીઓ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો) ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીને શેર કરી શકે છે.