Western Times News

Gujarati News

દેશને ફેમિલી ડૉક્ટરની નહીં, ફેમિલી ફાર્મરની જરૂર છે : રાજ્યપાલ

ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને તે પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે

બિકાનેરની સ્વામી કેશવાનંદ રાજસ્થાન યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર રાષ્ટ્રીય સંગોષ્ઠિ

એસકેઆરએયૂ બીકાનેર અને ગુજરાતના પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વચ્ચે એમઓયૂ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગામનો ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે, અને તે પ્રાકૃતિક ખેતીથી સંભવ બનશે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીએ ભારતની ધરતીને ઉજ્જડ બનાવી દીધી છે. આપણા દેશમાં આગામી દશ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે. ઘરે-ઘરે બીપી-ડાયબીટીસના દર્દીઓ થઈ ગયા છે, માટે આપણે રાસાયણિક અને જૈવિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક કૃષિ અપનાવાની તાતી જરૂરીયાત છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર ચાલી રહેલી બે-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ રાજસ્થાનના પૂર્વ કેબિનેટ મંત્રી દેવી સિંહ ભાટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટિમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડૉ.અરુણ કુમારે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રસાયણિક ખેતીની ગંભીરતાને જોતાં પ્રાકૃતિક ખેતીની દિશામાં પગલાં લેવા માટે સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અરુણ કુમારને અભિનંદન આપ્યા. તેમણે યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનું ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે અનુરોધ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવી દીધું છે.

તેમણે કહ્યું કે 60 વર્ષ પહેલા દેશમાં ભૂખમરાની પરિસ્થિતિ હતી ત્યારે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથને હરિત ક્રાંતિ લાવી, જે સમયની જરૂર હતી. હવે આપણે આત્મનિર્ભર થઈ ગયા છીએ. પરંતુ હવે હરિત ક્રાંતિના નામ પર રસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને રોકવાની જરૂર છે. આજના સમયમાં હવા, પાણી, જમીન અને લોકોના સ્વાસ્થ્યને બચાવવાની જરૂર છે.

તેમણે કહ્યું કે  જ્યાં યૂરિયા, ડીએપીનો વધારે વપરાશ છે ત્યાં કેન્સરના દર્દીઓ વધુ છે અને અન્ય બીમારીઓ પણ વધારે છે. કૃષિ યુનિવર્સિટીઓમાં રાસાણિક ખેતી જ ભણાવવામાં આવી રહી છે જે ભારતની મૂળ વિદ્યા છે જ નહીં. વિદેશી પદ્ધિતને ઉધાર લઇને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. દેશની ધરતીનો ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા હતો જે રાસાયણિક ખેતીના લીધે 0.4, 0.3, 0.2 ટકા જ રહી ગયો છે. આપણે રાસાયણિક ખેતીથી દેશી અળસિયાને મારીને મહાપાપ કરી રહ્યા છીએ.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગયા વર્ષે ભારત સરકાર દ્વારા દેશમાં  કરોડોનાં યુરિયા-ડીએપી આયાત કરવામાં આવ્યાં હતાં. આપણે ભારતનું ધન બહાર મોકલીને ઝેર ખરીદી રહ્યા છીએ. ધરતી આપણી માતા છે અને આપણને જીવનભર પાળે છે પરંતુ આપણે યુરિયા,ડીએપી અને રાસાયણિક ખાતરનો અંધાધૂંધ ઉપયોગ કરીને તેની ફળદ્રુપતા હણીનાખી છે. હવે ધરતીમાં તાકાત બચી નથી, પરંતુ પ્રાકૃતિક કૃષિ થકી એજ તાકાત ફરીથી મેળવી શકાય છે.

પોતાનો અનુભવ વર્ણવતાં તેમણે કહ્યું કે, હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ થકી તેમણે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.2, 0.3 થી વધારીને 1.7 સુધી લાવી દીધો છે. ગુજરાતમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તે વધારીને આ વર્ષે 20 લાખ કરવાનું લક્ષ્ય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક કૃષિને એક જ ગણવાનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે બંનેમાં જમીન-આકાશનો ફરક છે. જૈવિક ખેતીમાં ન ખર્ચ ઓછો થાય છે, ન મહેનત. ઉત્પાદન પણ વધતું નથી. એટલે જ જૈવિક ખેતીને ખેડૂતોએ સ્વીકારી નથી.

આ પ્રસંગે વિશેષ અતિથિ પૂર્વ કેબિનેટ મંત્રી દેવી સિંહ ભાટીએ કહ્યું કે કૃષિ વિજ્ઞાનીઓ સારું કામ કરે જેથી ખેડૂતો ને ફાયદો થાય. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટિમ્બડીયાએ કહ્યું કે, અમારી યુનિવર્સિટી દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી છે.

હવે સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીએ પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં પહેલ કરી છે. તેમણે કહ્યું કે, જ્યાં જ્યાં અમારી જરૂર પડશે, ત્યાં અમે મદદ માટે તૈયાર રહીશું. કુલપતિ ડૉ. અરુણ કુમારે દેશમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિશે સંબોધન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.