57 શૌચાલય બનાવ્યા વગર સરકારી ૮.૭૬ લાખની બારોબાર ઉઠાંતરી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૮.૭૬ લાખની ગ્રાન્ટ મંડળીઓ સાફ કરી ગઈ!!
ડીસા, ડીસાના ધાનપુરા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયાની રજુઆતને લઈ ડીસા ટીડીઓએ તપાસ કરતા પ૭ જેટલા શૌચાલય બનાવ્યા વગર સરકારી રૂ.૮.૭૬ લાખની બારોબાર ઉઠાંતરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું.
તેથી શૌચાલય બનાવનાર ધાનપુરા દુધ મંડળી તેમજ અનામીકા સખી મંડળ રાણપુર ઉગમણાવાસ, તા.ડીસાને ખુલાસો કરવા નોટીસ આપી હતી.
જેમાં સખી મંડળ અને દુધ મંડળી એ શૌચાલય બાંધકામની કામગીરી અન્ય કોન્ટ્રાકટરને આપી હોવાથી તેઓ બીલકુલ અજાણ હોવાનો ખુલાસો કર્યો હતો. જે ટીડીઓએ ગ્રાહ્ય રાખ્યો ન હતો. ધાનપુરા દુધ મંડળીના તત્કાલીન મંત્રી રમેશ ડાહ્યાભાઈ દેસાઈ, તત્કાલીન ચેરમેન મગન મશરૂભાઈ દેસાઈ અનામીકા સખી મંડળના લીડર દેવીકા પાનાભાઈ પરમાર
અને ઉપલીડર હંસા મગનભાઈ વાઘેલા સામે સરકારી નાણાંના દુરુપયોગ બદલ ડીસા ડીટીઓએ ફરીયાદ નોધાવતા ડીસા તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.