રાજ્યભરમાંથી કુલ ૫૧૮૩૫ શાળાઓએ સ્વચ્છ વિદ્યાલય ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગ લીધો

રાજ્યકક્ષાએ નામાંકીત ૪૬૦ શાળાઓમાંથી ૨૬ શ્રેષ્ઠ શાળાઓ પૈકી ૨૦ શાળાઓને ઓવરઓલ કેટેગરી અને ૬ શાળાઓને સબ – કેટેગરી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર આપવામાં આવ્યાં
અમદાવાદના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત માનનીય શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને માનનીય રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે આજરોજ વિવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્વચ્છ વિદ્યાલય “શ્રેષ્ઠ શાળા પ્રદર્શન” પુરસ્કાર, સ્વચ્છ વિદ્યાલય “શ્રેષ્ઠ જિલ્લા પ્રદર્શન” પુરસ્કાર, “સ્વચ્છતા પખવાડા સ્પર્ધા” રાજ્યકક્ષા પ્રદર્શન પુરસ્કાર, “ગ્રીન યોર સ્કૂલ કોન્ટેસ્ટ” શ્રેષ્ઠ રાષ્ટ્રકક્ષા પ્રદર્શન પુરસ્કાર જેવા વિવિધ પુરસ્કાર વિજેતા શાળાઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ પ્રસંગે UNICEF ના સહયોગથી તૈયાર થયેલી ગુજરાત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર “કાર્યક્રમ માર્ગદર્શિકા” નું લોકાર્પણ માનનીય શિક્ષણમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે સ્વચ્છ વિદ્યાલય કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી સર્વશ્રેષ્ઠ શાળાઓને “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર”થી સન્માનિત કરવાનો આ અવસર ખરેખર પ્રેરણાદાયી છે. આજે જ્યારે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને દેશભરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણા હેઠળ “સ્વચ્છ ભારત” મિશન ખૂબ જ જોશભેર ચાલી રહ્યું છે ત્યારે આવા સન્માન કાર્યક્રમોના લીધે શાળા, બાળકો અને શિક્ષકોને અનોખું પ્રોત્સાહન મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતાની સમજ આપવા માટે શાળા શ્રેષ્ઠ માધ્યમ છે. રાજ્યકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ ચાલતા આવા અલગ અલગ શાળા કક્ષાના સ્વચ્છતા કાર્યક્રમો બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા પ્રત્યેની સભાનતા કેળવે છે. આવા બાળકો આગળ જતા સમાજને અને રાષ્ટ્રને સ્વચ્છ બનાવવા માટે અને પોતાની આજુબાજુ સ્વચ્છતા જાળવવા માટે પ્રયત્નશીલ બને છે. ગુજરાતની શાળાઓનો સ્વચ્છાગ્રહ રાજ્યમાં પ્રસ્થાપિત ઉચ્ચ શૈક્ષણિક મૂલ્યોની સાબિતી આપે છે.
તેઓએ ઉમેર્યું હતું કે, “એક કદમ સ્વચ્છતા કી ઓર” સૂત્રને રાજ્યની શાળાઓએ ખરા અર્થમાં સાર્થક કર્યું છે. રાજ્યની શાળાઓએ સ્વચ્છતાની બાબતને જીવન કૌશલ્યના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં કેળવી છે. સ્વચ્છતાને પાયાનાં શિક્ષણ સાથે વણી લઈને શાળાઓએ વિદ્યાર્થીઓના જીવનઘડતરનો અગત્યનો ભાગ બનાવી છે. શાળાના વિદ્યાર્થીઓ જ સ્વચ્છતા અભિયાનના ખરા બ્રાન્ડ એમ્બેસેડર છે. શાળામાંથી જ સ્વચ્છતાના પાઠ ભણીને આવા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને સમાજને પણ સ્વચ્છતા અંગે જાગૃત બનાવવાનું અગત્યનું કાર્ય કરે છે.
રાજ્યસરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, કન્યા કેળવણી નિધિ જેવા ભગીરથ કાર્યક્રમોને લીધે રાજ્યમાં શિક્ષણનું સ્તર આજે ઉચ્ચ કક્ષાએ પહોચ્યું છે. દેશભરમાં આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અને આવા કાર્યક્રમોની નોંધ લેવાઈ રહી છે. રાજ્યના છેવાડાના વર્ગો અને સમાજ સુધી શિક્ષણ પહોચાડવા માટે રાજ્ય સરકાર અને રાજ્યનો શિક્ષણ વિભાગ હર હંમેશ પ્રયત્નશીલ રહ્યો છે.
રાજ્યમાં સ્થાપિત સુદૃઢ શિક્ષણ વ્યવસ્થાના પરિણામસ્વરૂપે આજે સમાજના દરેક વર્ગમાંથી વિદ્યાર્થીઓ ખાનગી અને સરકારી નોકરીઓમાં પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ કામગીરીની પ્રસંશા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આવા સ્વચ્છતા પુરસ્કારો તાલુકા કક્ષાએ પણ યોજાય અને તેમના ઇનામની રકમમાં વધારો થાય તેવા પણ કાર્યો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૪ થી શરૂ થયેલી “સ્વચ્છ ભારત , સ્વચ્છ વિદ્યાલય” ઝુંબેશ ના ભાગ રૂપે વર્ષ ૨૦૧૬થી “સ્વચ્છ વિદ્યાલય” એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપીને શાળા તથા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. શાળામાં પીવાનું પાણી, શૌચાલય સુવિધા, સાબુથી હાથ ધોવાની સુવિધા, જાળવણી અને મરામત, વ્યવહાર પરિવર્તન અને ક્ષમતાવૃદ્ધી જેવી અલગ અલગ શ્રેણીઓના આધારે મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ શાળાઓને આ પુરસ્કાર માટે નામાંકીત કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ, સમગ્ર શિક્ષા- ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણ, યુનિસેફના સ્ટેટ હેડ પ્રશાંત દાસ, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો, સર્વ શિક્ષા અભિયાન સાથે સંકળાયેલા પદાધિકારીઓ, નિયામકશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ શાળાઓનાં આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.