૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સ્વસ્છ ભારત મિશનને થયો એક દાયકો પૂર્ણ- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ માહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવે છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” -તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ‘‘સ્વચ્છ ભારત મિશન’’ ને આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે. જેથી આ વર્ષે પણ ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ છે.
સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪- પખવાડિયાનું આયોજન કરવામાં આવશે. જે અન્વયે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નું અમલીકરણ કરવાની કામગીરી કરવાની રહેશે.
મંત્રીશ્રીએ વધુમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાની કામગીરી વિષે જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા-૨૦૨૪-ના મુખ્ય મુદ્દાઓ તરીકે ભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા લક્ષીત એકમો (CTU) સાથે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાગીદારી થકી સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી, સ્વચ્છતા અંગે જાગૃતિ; સ્વચ્છતા માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સ્વચ્છતા લક્ષીત એકમો અંતર્ગત નાગરિકોની સહભાગીદારી અને ભાગીદારોની ગતિશીલતા થકી મેગા ક્લીનીંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં સંપૂર્ણ પરિવર્તન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમ્યાન મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ (કાયમી તથા હંગામી) તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે પ્રવૃત્તિઓ કરવાની રહેશે.
શહેરી વિસ્તારોમાં ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪‘ કાર્યક્રમનું વધુ અસરકારક અમલીકરણ કરવા શહેરની સફાઈ કામગીરી વિષે મંત્રીશ્રી જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા દૈનિક ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે છે. જે સફાઈ કામગીરીને નિયમિત રીતે ચાલુ રાખીને ‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪‘ની કામગીરીને બે ભાગમાં દૈનિક ધોરણે કરવાની રહેશે.
જેમાં રોજરોજની નગરની સફાઈ, શહેરના તમામ ગાર્બેજ પોઈન્ટ, તમામ વાણીજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ તેમજ શહેરના તમામ બાગ-બગીચાઓ, ફૂટપાથ, ઘોરીમાર્ગોની સફાઈની સાથે અન્ય રોજીંદી સફાઈ કામગીરી કરવાની રહેશે સાથોસાથ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા થીમ આધારિત સફાઈની કામગીરી કરવાની રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સફાઈના સમયગાળાની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉક્ત બંને કેટેગરી માટે દરરોજ બે વખત સફાઈનું આયોજન કરવાનું રહેશે. જેમાં દિવસ દરમ્યાનની સફાઈ અને રાત્રી સફાઈનો પણ સમાવેશ થાય છે.