સાજિદ ખાનને બિગ બોસમાંથી હટાવવાની માંગ કરનાર મહિલાને ધમકી
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલને રેપની ધમકી
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકી મળી રહી છે. માલીવાલને બે અલગ-અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ધમકી આપવામાં આવી છે. બંને યુઝર્સે તેમની વિરુદ્ધ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને રેપની ધમકી આપી હતી. આ પછી સ્વાતિ માલીવાલે આ મામલાની ફરિયાદ દિલ્હી પોલીસને કરી છે અને આ મામલામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે.
સ્વાતિ માલીવાલે ખુદ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. આટલું જ નહી સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને આ બંને ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ ટ્વીટ કરતાં લખ્યું કે, જ્યારથી મેં સાજિદખાનને બિગ બોસમાંથી બહાર કરવા માટે આઈએન્ડબી મંત્રીને પત્ર લખ્યો છે,
ત્યારથી મને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકી આપવામાં આવી રહી છે. દેખીતી રીતે તેઓ અમારું કામ રોકવા માગે છે. હું દિલ્હી પોલીસને આ બાબતે ફરિયાદ કરી રહી છું. આ ઘટનાની એફઆઈઆર નોંધો અને આ કરનાર પાછળ જેનો પણ હાથ છે તેની ધરપકડ કરો.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક દિવસ પહેલા જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને લેટર લખીને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજિદ ખાનને રિયાલિટી શો બિગ બોસમાંથી હટાવવાની માગ કરી હતી.