પોતાની વાણીને મધુર બનાવો
જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્મામાં લાગેલું રહે છે તે વેદાધ્યાન-તપ અને ત્યાગ..આ તમામ ફળને પામે છે.
સંસ્કૃત સાહિત્યમાં એક અર્ચિત કથા છે.એકવાર વસંત ઋતુમાં એક કોયલ વૃક્ષ ઉપર બેસીને કૂ કૂ કરી રહી હતી. આવતા જતા લોકો તેની મધુર અવાજનો આનંદ લેવા માટે રોકાઇ જતા અને તેના વખાણ કરતા હતા.થોડા સમય પછી કોયલની સામે એક કાગડો તેજ ગતિથી આવે છે.
કોયલે પુછ્યું કે આટલી તેજ ગતિથી ક્યાં જાઓ છો? આવો મારી પાસે આવીને બેસો આપણે સુખ દુઃખની વાતો કરીએ.કાગડો કહે છે કે હું ઉતાવળમાં છું અને આ દેશ છોડીને જઇ રહ્યો છું. કોયલે તેનું કારણ પુછ્યું તો કાગડો કહે છે કે અહીના લોકો ઘણા જ ખરાબ છે.તમામ તને પ્રેમ કરે છે,તારો આદર કરે છે અને તેઓ ઇચ્છે છે કે તૂં હંમેશાં તારી મધુર અવાજમાં આ ક્ષેત્રમાં ગાતી રહે.મારી વાત કરૂં તો મને કોઇ જોવા પણ ઇચ્છતું નથી.
હું ઘર ઉપર બેસું તો મને પત્થર મારીને ભગાડી દે છે. મારો અવાજ કોઇ સાંભળવા પણ ઇચ્છતું નથી. જ્યાં મારૂં અપમાન થાય એવી જગ્યાએ હું એક ક્ષણ પણ રહેવા ઇચ્છતો નથી. જ્ઞાનીજનોએ પણ કહ્યું છે કે જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં ના રહેવું જોઇએ.
આ સાંભળીને કોયલ કહે છે કે આ દેશ છોડીને પરદેશ જાય છે તે તારી મરજી.તૂં ભલે પરદેશ જાય પરંતુ મારી એક વાત હંમેશાં ધ્યાનમાં રાખજે કે ત્યાં જતાં પહેલાં પોતાની અવાજને બદલી નાખજે.પોતાની વાણીને મધુર બનાવજે. જો તારી વાણી અત્યારે છે તેવી કઠોર અને કર્કશ રહેશે તો પરદેશના લોકો પણ તારી સાથે એવો જ વ્યવહાર કરશે કે જે અહીના લોકો કરે છે.
સંસાર જેવો છે તેવો જ રહેવાનો છે તેને બદલી શકાતો નથી પરંતુ અમે અમારી પોતાની દ્રષ્ટિ અને વાણીને બદલી શકીએ છીએ.આ બંન્નેને બદલવાથી જીવનની દિશા અને દશા બંન્ને બદલાઇ જાય છે અને તેનાથી સંસારમાં આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે.
જેની વાણી અને મન સુરક્ષિત બનીને હંમેશાં તમામ પ્રકારથી પરમાત્મામાં લાગેલું રહે છે તે વેદાધ્યાન-તપ અને ત્યાગ..આ તમામ ફળને પામે છે. પો૫ટ જેવા સ્વભાવવાળા,સૌને પ્રિય લાગે તેવી મીઠી વાણી બોલવાવાળા લોકો બધે જ આદર પામે છે.કર્કશ વાણી એ ઝેર છે.દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે,ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે,વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે.
“અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે” તેથી ખાન-પાનમાં સંયમ રાખવો.શબ્દો ક્યારેય બેજુબાન(મુંગા) નથી હોતા. શબ્દ ઔષધિનું કામ કરે છે અને ઘાવ(દર્દ) આપવાનું કામ પણ કરે છે.દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઇએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય,મનમાં ઠંડકનો અનુભવ કરે,સારી લાગે,મનને આનંદિત કરી શકે,સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે.મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ.મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઇએ.ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઇએ. હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો,અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં,કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.
જે કર્કશ વાણી બોલતો નથી,કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે તેના જીવનમાં મિસરી જેવી મીઠાશ આવે છે.ક્રોધથી થનાર નુકશાનથી બચવા ઇચ્છતા હો તો પોતાના મન અને વાણી ઉપર સંયમ રાખવો એ જ ક્રોધથી બચવાનો ઉપાય છે.
સારા માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે.
જુઠું બોલવું,બોલવું,કડવું બોલવું,વૃથા બકવાસ કરવો, નિંદા-ચુગલી કરવી વગેરેથી વાણી અશુદ્ધ થાય છે.આ દોષોને હટાવીને સત્ય પ્રિય હિતકારક તેમજ આવશ્યક વચનો બોલવાં (જેનાથી બીજાઓની પારમાર્થિક ઉન્નતિ થતી હોય અને દેશ-ગામ અને પરીવારનું હિત થતું હોય) અને અનાવશ્યક વાતો ના કરવી તે વાણીની શુદ્ધિ છે.જે વાણી મનુષ્યને મનુષ્યની સાથે જોડે,મનુષ્યના દિલમાં બીજાના માટે પ્રેમ-ભાઇચારો અને નમ્રતાની ભાવના જાગ્રત કરે તે જ વાણી યોગ્ય છે.
આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)