સ્વિગી ૨૫૦ જેટલા કર્મીને છૂટા કરી દે એવી શક્યતા
નવી મુંબઇ, ઝોમેટો પછી, અન્ય ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.ફૂડ અને ગ્રોસરી ડિલીવરી કંપની સ્વિગી લગભગ ૨૫૦ કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે, જે કુલ કર્મચારીઓના ૩ થી ૫ ટકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપ્લાય ચેઇન, ઓપરેશન્સ, ગ્રાહક સેવા અને ટેક્નોલોજીની ભૂમિકા સાથે સંકળાયેલા લોકોને આ છટણીથી અસર થશે.
આ વિશે સ્વિગીએ કહ્યું છે કે, અમે ઓક્ટોબરમાં પોતાની પરફોર્મન્શ સાઇકલને પુરુ કર્યું છે અને બીજા લેવલ પર રેંટિગ અને પ્રમોશનની જાહેરાત પણ કરી છે. કંપનીએ કહ્યું કે દરેક સાઈકલમાં પરફોર્મન્સના આધારે અમે લોકો બહાર નીકળવાની અપેક્ષા રાખીએ છીએ.
ફંડીગના અભાવ અને નફો કમાવવા અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી આવી ટેક કંપનીઓ સતત કર્મચારીઓને છૂટા કરી રહી છે. કંપનીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, સ્વિગીના એચઆર હેડ ગિરીશ મેનને તાજેતરમાં પૂર્ણ થયેલા ટાઉન હોલમાં પરફોર્મન્સ આધારિત એક્ઝિટ વિશે કર્મચારીઓને માહિતી આપી હતી. કંપની તેની ટીમોનું પુનર્ગઠન કરવામાં વ્યસ્ત છે.