ટૂંક સમયમાં બોપલ-ઘુમાના લોકોને સ્વિમીંગ પુલની સુવિધા મળશેઃ AMC બજેટમાં ફાળવણી
મ્યુનિ. કમિશ્નરે પ્રથમ વખત વિવિધ પ્રોજેકટો માટે ઝોનલ બજેટમાં રૂ.ર૭૧ કરોડની ફાળવણી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના નાગરિકોને ઝડપથી રોડ, લાઈટ, ડ્રેનેજ, ફુટપાથ વગેરેની સવલત મળી રહે તે માટે મ્યુનિ. કોર્પો.ના બજેટમાં દર વર્ષે ઝોનલ બજેટ ફાળવવામાં આવે છે જયારે મોટા કામો જે તે પ્રોજેકટ વિભાગ દ્વારા થાય છે.
આગામી નાણાંકિય વર્ષથી આ પરંપરા દુર કરવામાં આવશે તેમજ ઝોનલ લેવલે પ્રજાકિય સુવિધાના કામો ઉપરાંત પ્રોજેકટને લગતા પણ કામ થશે જેના માટે મ્યુનિ. કમિશ્નરે તેમના ડ્રાફટ બજેટમાં અલગથી જોગવાઈ કરી છે જેને સ્ટેન્ડિગ કમિટિ દ્વારા મંજુરી પણ મળી ગઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૪-૦પ ના વર્ષથી વિકાસ અને જનસુવિધાના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે ઝોન દીઠ અલગથી બજેટ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ બજેટમાંથી રોડ રીપેરીંગ, ડ્રેનેજ ડીસીલ્ટીંગ, ફુટપાથ રીપેરીંગ જેવા કામો થતા હોય છે. જયારે બિલ્ડીંગના કામો પ્રોજેકટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. નાણાંકીય વર્ષ ર૦ર૪-રપ થી ઝોનલ લેવલે પણ પ્રોજેકટને લગતા કામો કરવામાં આવશે.
જેના માટે મ્યુનિ. કમિશ્નરે રૂ.ર૭૧ કરોડનું અલગથી બજેટ ફાળવ્યું છે. ર૦ર૪-રપ ના ડ્રાફટ અંદાજપત્રમાં કમિશ્નરે તમામ ઝોન માટે કુલ ૬પ૦ કરોડની ફાળવણી કરી છે જેમાં પશ્ચિમ માટે ૧૦૭, ઉત્તર પશ્ચિમ માટે ૧૦૦, દક્ષિણ માટે ૧૦૦, પૂર્વ માટે ૧૦૦, દ.પ. માટે ૯૧, ઉત્તર માટે ૯૦ અને મધ્ય માટે રૂ.૬ર કરોડની જોગવાઈ કરી છે.
સદર રકમમાંથી પ્રોજેકટને લગતા કામો માટે રૂ.ર૭૧ કરોડ ખર્ચ કરવામાં આવશે જેમાં જયશંકર સુંદર હોલનું રિનોવેશન, લાંભામાં પાર્ટી પ્લોટ, બોપલમાં સ્વીમીંગ પુલ, અલગ અલગ વોર્ડમાં વેજીટેબલ માર્કેટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશ્નરે મધ્ય ઝોનમાં રોડ અને ફુટપાથ માટે ર૦.૯૭ કરોડ જયારે ડ્રેનેજ અને પાણી માટે ૧પ કરોડની જોગવાઈ કરી છે. જયારે પશ્ચિમ ઝોનમાં રોડ, ફુટપાથ માટે રૂ.૪૭ કરોડ અને પાણી તથા ડ્રેનેજ માટે રૂ.૩૮ કરોડની ફાળવણી કરી છે. ઝોનલ બજેટનો મુળ ઉદ્દેશ નાગરિકોને ઝડપી સેવા મળી રહે તે માટેનો રહે છે.
ર૦ર૩-ર૪ના અંદાજપત્રમાં ઝોનલ બજેટ માટે રૂ.પ૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા જે પૈકી ડીસેમ્બર-ર૦ર૩ સુધી ર૪પ૧ કરોડ ખર્ચ થઈ ચુકયા છે જયારે ૭૬પ કરોડના કામ બુક થયા છે. વર્તમાન નાણાંકીય વર્ષના અંતે રૂ.પ૦૦ કરોડના કામ પૂર્ણ થઈ જશે તેવી આશા કમિશ્નર દ્વારા વ્યકત કરવામાં આવી છે.