એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં તંત્રના દરોડા
જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરાશે : ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા
‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રિલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા
એકમો/વ્યક્તિઓને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રિલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા શ્રી કોશિયાએ જણાવ્યું કે મળેલ બાતમીના આધારે તા.૦૨ જૂન-૨૦૨૩ના રોજ તંત્ર દ્વારા અમદાવાદના અમરાઇવાડી ખાતેની મે. મહાદેવ એજન્સીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીના જવાબદાર વ્યક્તિ તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કરની SCORBINT-C INJECTION, B. NO. NL21036, EXP. DT. 03/2023 MFG. BY M/S. NIXI LABORATORIES PVT. LTD., SIRMOUR,
HIMACHAL PRADESH તેમજ MKTD. BY M/S. INTEGRITY PHARMACEUTICAL, BAJWA, VADODARA નામની દવાના ખરીદ વેચાણ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે M/S. INTEGRITY PHARMACEUTICAL, BAJWA, VADODARA પાસેથી ઇનવોઇસ નં. ૦૦૦૦૧૦૩, ૦૦૦૦૧૪૨, ૦૦૦૦૪૦૬, ૦૦૦૦૫૩૨, ૦૦૦૦૭૦૫ થી સમયાંતરે SCORBINT-C INJECTION મેળવી વેચાણ કરતાં હતાં.
આ તપાસમાં અધિકારીને ૪૪૪ નંગ દવાનું વેચાણ શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કરે જણાવ્યું કે તેઓ દ્વારા ઓરીજીનલ એક્ષપાયરી તા. 03/2023 અને બેચ નં. NL21036 બદલી તેઓના કોમ્પ્યુટરમાં નવી એક્ષપાયરી તા.09/2023 અને
બેચ નં. NB21-07A પ્રિન્ટ કરી કાર્ટન પર લગાવવામાં આવ્યા હતા. જ્યારે દવાના વાયલ પરથી દવાનું નામ, બેચ નં., ઉત્પાદન તા., મુદ્દત વિત્યા તા. અને ઉત્પાદકનું નામ જેવી તમામ વિગતો લેબલ પરથી ભૂસી કાઢી આ એક્સપાયર્ડ પાંચ ઇન્જેક્શનો મે. યુનાઇટેડ એન્ટરપ્રાઇઝ, એલીસબ્રિજ, અમદાવાદને તા. ૨૨/૦૫/૨૦૨૩ ઇનવોઇસ નં. 23/SZ-002397 થી વેચાણ કરવામાં આવ્યા હતા.
વધુ તપાસમાં તેઓએ જણાવેલ કે નફો મેળવવાની લાલચમાં આ પાંચ ઇન્જેક્શનો પુજારા સ્વપનીલ મહેશભાઇની મદદથી લેબલ બદલી વેચાણ કરવામાં આવ્યું હતું. આ દવા સ્કર્વી નામના ગંભીર પ્રકારના રોગમાં વપરાય છે.
નફો મેળવવાની લાલચે એક્ષપાયર્ડ દવાનું રિલેબલીંગ કરી જનઆરોગ્ય સાથે ચેડા કરનાર ઇસમોએ આ બાકી ૪૩૯ ઇન્જેક્શનોનું તેઓ દ્વારા ક્યાં વેચાણ કે નાશ કરવામાં આવ્યો હતો તેની માહિતી ન આપતા જવાબદારો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર. કરવામાં આવી છે.ક
તપાસ દરમ્યાન પાંચ ઇન્જેક્શનોમાંથી ચાર ઇન્જેક્શનોને વડોદરાની ખોરાક અને ઔષધ પ્રયોગશાળામાં પૃથ્થક્કરણ માટે મોકલી આપવામાં આવેલ છે અને બાકી રહેલ ૧ ઇન્જેક્શન નિવેદન હેઠળ રજૂ કરેલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.