રેલવે ફાટક બંધ હતો તેનો લાભ લઈ AAPના નેતાની ગોળી મારીને હત્યા
જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ
તરનતારન, પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યારાઓએ પહેલા આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોઈંડવાલ સાહિબ પાસે રેલવે ફાટક બંધ થવાના કારણે ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. જીવ ગુમાવનાર આપનેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી ચોહલા સાહિબનો રહેવાસી હતો. આજે સવારે તે પોતાની કારમાં સુલતાનપુર લોધી કોર્ટમાં જઈ રહ્યા હતા. ગુરપ્રીત સિંહની કાર ફતેહાબાદ રેલવે ફાટક પાસે પહોંચી ત્યારે ફાટક બંધ હતું. આ દરમિયાન જ સ્વીફ્ટ કારમાં સવાર હુમલાખોરો પહેલાથી જ તેમનો પીછો કરી રહ્યા હતા. આ હત્યારાઓએ જાહેરમાં જ ગુરપ્રીત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. હુમલામાં ગુરપ્રીત સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. મૃતક ગુરપ્રીત સિંહ વિધાનસભા હલકા ખડૂર સાહિબથી ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાના ખૂબ નજીકના વ્યક્તિ હતા. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. તરનતારનના એસપી અશ્વિન કપૂરે જણાવ્યું કે, મૃતકને પાંચ ગોળીઓ લાગી છે.