માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા કે. એલ. બચાણી
શ્રી કે. એલ. બચાણીએ આજે ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો. શ્રી બચાણી ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. ઓફિસર છે. આ પહેલા તેઓ જિલ્લા કલેકટર, ખેડા તરીકે કાર્યરત હતા.
જિલ્લા સમાહર્તા કલેકટર કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવપુર્ણ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ કલેકટર વિદાય આપતા ભાવવિભોર બન્યા હતા. સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવપુર્ણ વિદાય આપી હતી.
કલેકટર કે.એલ.બચાણી ગુજરાત વહિવટી સેવા(GAS)ના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને અખિલ ભારતીય સેવા(IAS)માં તેમણે જિલ્લા વિકાસ અધિકારી ખેડા-નડિયાદ તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ ૧/૦૬/૨૦૨૧ થી ૩૧/૦૧/૨૦૨૪ સુધી તેમણે ખેડા જિલ્લા કલેકટર તરીકે પ્રમુખ સેવા આપી જિલ્લાના વિકાસને વેગવંતો બનાવ્યો હતો. ગ્રામસભાથી લઇને વિકસિત ભારત વિકાસ સંકલ્પ યાત્રા સુધી કલેકટરશ્રી દ્વારા જિલ્લાના લોકકલ્યાણના અનેક કામો કરવામા આવ્યા હતા.
હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર બચાણી પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલ જિલ્લાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.
આ પ્રસંગે કલેકટર બચાણીએ જણાવ્યુ કે, નસીબદાર અધિકારીઓને ખેડા કલેકટર તરીકે કામ કરવાની તક્ક મળે છે. આ જિલ્લાએ મને ઘણો પ્રેમ આપ્યો છે. જિલ્લામાં ત્રણ વર્ષની સફળ કામગીરીનું શ્રેય અધિકારીઓ અને કર્મચારીઓને આપતા જણાવ્યુ કે, જિલ્લામાં મહેસુલ-પંચાયત-પોલીસનુ સંકલન સારૂ હોય તે જિલ્લાના વિકાસને કોઇ રોકી શકે નહી.