તળાજા ટ્રિપલ મર્ડર: એક જ પરિવારના છ સભ્યોને આજીવન કેદ
રાજકોટ, ૨૦૧૬માં એક વૃદ્ધ અને તેના બે દીકરાની જાહેરમાં કરપીણ હત્યા કરનારા એક જ પરિવારના છ સભ્યોને ભાવનગર જિલ્લાના તળાજાની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. ગુલુ ભૂરાણી (૭૬ વર્ષ), તેમના દીકરાઓ નૌશાદ (૫૧ વર્ષ) અને નિહાલ (૪૨ વર્ષ), તેમના પૌત્ર નિશાંત અને ભત્રીજાઓ જહેર અબ્બાસ ઉર્ફે અબ્બાઝ વજીર (૪૯ વર્ષ) અને ઈમરાન વજીર (૩૯ વર્ષ)ને દોષિત જાહેર કરતાં ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એમ. બ્રહ્મભટ્ટે સજા સંભળાવી છે.
ચાર શખ્સોને શંકાને આધારે છોડી મૂકાયા હતા જ્યારે એકનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું. ઓક્ટોબર ૨૦૧૬માં ભૂરાણી પરિવારના ૧૧ સભ્યોએ પ્યારાલી માધવાણી (૬૦ વર્ષ) અને તેમના બે દીકરાઓ અલી હુસૈન (૨૬) અને અબ્બાસ અલી (૨૪ વર્ષ) પર ૧૦૦થી વધુ લોકોની હાજરીમાં હુમલો કર્યો હતો.
તેમને આશરે ૧૪ ગોળીઓ મારવામાં આવી હતી ઉપરાંત તલવાર, લોખંડની પાઈપો અને અન્ય હથિયારોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકોના શરીરમાંથી ૧૨ ગોળીઓ કાઢવામાં આવી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, એક જ સોસાયટીમાં રહેતાં ભૂરાણી અને માધવાણી પરિવાર વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી દુશ્મનાવટ હતી. માધવાણીની દીકરી નિલમે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગુલુ ભૂરાણી તેમના ઘરે હથિયાર સંતાડવા માગતો હતો પરંતુ પ્યારાલી માધવાણીએ ના પાડી હતી અને આ વાતનો રોષ ગુલુ ભૂરાણીના મનમાં હતો.
આ લડાઈના એક વર્ષ પછી તાજિયા વખતે બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી. નિલમ અને તેના પરિવારની અન્ય મહિલાઓ સોસાયટીમાં વાયેઝ (એક રિવાજ) માટે ગઈ હતી ત્યારે ફરી એકવાર દુશ્મનાવટ સપાટી પર આવી હતી.
ભૂરાણી પરિવારે માધવાણી પરિવારની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમના પર પથ્થર ફેંક્યા હતા. જ્યારે નીલમનો ભાઈ અબ્બાસ બચાવવા માટે આવ્યો ત્યારે તેના પર પણ હુમલો કર્યો હતો. મૃતકનો ભત્રીજાે મહેંદી રઝા પણ આ તકરારમાં ઈજાગ્રસ્ત થયો હતો તે બાદમાં દુશ્મન બન્યો હતો.
કોર્ટે ચાર આરોપીઓ શબ્બીર વીરાણી, નસિમ પટેલ, રોજી ભૂરાણી અને રેશ્મા ભૂરાણીને છોડી મૂક્યા છે. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યૂટર કમલેશ કેસરીએ કહ્યું, “ફોરેન્સિક તપાસ માટે કુલ ૭૬ વસ્તુઓ મોકલવામાં આવી હતી અને ૯૦ સાક્ષીઓ કોર્ટમાં રજૂ કરાયા હતા.”SS1MS