ભુજના કુકમા ગામે તલાટી બે લાખની લાંચ લેતાં ઝડપાયો

ભુજ, ગ્રામ પંચાયતના ચોપડે મકાનની આકારણી દાખલ કરવાની અવેજમાં ચાર લાખ રૂપિયાની લાંચ માંગી એડવાન્સમાં બે લાખ રૂપિયા લેતા ભુજના કુકમા ગ્રામ પંચાયતનો તલાટી અને પંચાયત સદસ્ય વચેટિયા મારફતે લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે.
એસીબીએ કરેલી ટ્રેપના પગલે ભારે ચકચાર મચી ગઈ છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી વાઘસિંહ તેજસિંહ વાઘેલા (વર્ગ-૦૩) અને અને પંચાયતના સદસ્ય ઉત્તમ શિવલાલ રાઠોડનો આકારણી સંદર્ભે સંપર્ક કર્યો હતો.
બેઉ જણે ચાર લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ચાર લાખમાંથી પચાસ ટકા એટલે કે બે લાખ રોકડાં રૂપિયા એડવાન્સમાં આપવા જણાવેલું. આ અંગે ફરિયાદીએ ભુજ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું.
તલાટી અને પંચાયત સભ્યએ પોતે રૂબરૂ નાણાં લેવાના બદલે ગામના બસ સ્ટેશન પાસે દાબેલીની લારી ચલાવતાં નિરવભાઇ વિજયભાઇ પરમારને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. જેવા નાણાં અપાયાં કે એસીબીએ તુરંત એક્શનમાં આવી વચેટિયા અને તલાટીને ઝડપી લીધાં હતાં.
જો કે, ઉત્તમ રાઠોડ હાથ લાગ્યો નથી. એસીબી, બોર્ડર એકમના મદદનીશ નિયામકના માર્ગદર્શનમાં ઈન્ચાર્જ પીઆઈ અને તેમની ટીમે સફળ છટકું ગોઠવ્યું હતું.SS1MS