ભારત સાથે વાટાઘાટો સફળ, દ્વિપક્ષી વેપાર કરાર ટૂંકમાં થઈ શકેઃ અમેરિકા

ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ટ્રમ્પ સરકારે શરૂ કરેલા ટેરિફ અભિયાન બાદ અમેરિકાએ અનેક દેશ સાથે વાટાઘાટો શરૂ કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યુ હતું કે, ભારત સાથે વાટાઘાટો કરવાનું ખૂબ સરળ રહ્યું છે અને ઊંચા ટેરિફ મામલે ચાલી રહેલી વાટાઘાટો સફળ રહી છે. ભારત સાથે દ્વિપક્ષી વેપાર કરારને ટૂંક સમયમાં આખરી ઓપ આપવાની અપેક્ષા વ્યક્ત કરતા સ્કોટે કહ્યું હતું કે, અમેરિકાએ રેસિપ્રોકલના ટેરિફના વિકલ્પે દ્વિપક્ષી વેપાર કરારને મહત્ત્વ આપ્યું છે.
સૌથી પહેલા આ કરારને મંજૂરી આપનારા દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થઈ શકે છે. વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં બેસન્ટે કહ્યું હતું કે, અમેરિકાના એશિયન ટ્રેડિંગ પાર્ટનર્સ અને મિત્ર રાષ્ટ્રો આ કરારની શરતો બાબતે નક્કર પ્રગતિ સાધવામાં મોખરે છે. ગત સપ્તાહે ઉપપ્રમુખ વેન્સે ભારતની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ મળ્યા હતા અને આ વાટાઘાટોમાં ઘણી સારી પ્રગતિ સધાઈ હોય તેમ જણાય છે. તેથી ભારત સંદર્ભે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. બેસન્ટે દક્ષિણ કોરિયા અને જાપાન સાથે પણ ટ્રેડ ડીલ બાબતની વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનું કહ્યું હતું. ભારત સાથે ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાનો તબક્કો ખૂબ નજીક હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીએ ભારત સાથે વાટાઘાટો કરવાનું ખૂબ સરળ છે, કારણ કે ભારતમાં ઘણાં ઊંચા ટેરિફ દર છે.
દાયકાઓથી ચાલી રહેલા અન્યાયી ટેરિફ દરનો વિરોધ કરવાના બદલે નોન-ટેરિફ એગ્રીમેન્ટ થઈ જાય તો દ્વિપક્ષી વેપારની બધી અડચણો દૂર થઈ જશે.ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની નીતિ અપનાવી છે. ટ્રમ્પની આ નીતિના પગલે વિશ્વના દરેક દેશમાં ચિંતા ફેલાઈ છે.
અમેરિકાના સામાન પર જેટલો કર લેવાતો હશે, તેટલો જ કર અમેરિકા પણ વસૂલ કરશે, તેવું ટ્રમ્પે જાહેર કર્યું હતું. બાદમાં ટ્રમ્પે પોતાના આ નિર્ણયમાં આંશિક પીછેહઠ કરતાં ભારત સહિતના દેશોને ૯૦ દિવસની રાહત આપી હતી. આ સમયગાળામાં અમેરિકાએ ટ્રેડ પાર્ટનર દેશો સાથે વાટાઘાટો હાથ ધરી છે. જો આ દેશો સાથે દ્વિપક્ષી વેપાર કરાર શક્ય બને તો ટેરિફની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી શક્યતા છે.SS1MS