આ કારણસર ભારતીય કિસાન સંઘે તલોદ મામલતદાર અને PIને આવેદનપત્ર આપ્યું

તલોદમાં ર૦૦ બોરી મગફળીની ચોરી છતાં પોલીસમાં ફરિયાદ ન થતાં સંઘ મેદાને
તલોદ, તલોદ તાલુકાના ઉમેદની મુવાડી ગામે આવેલ ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં ર૦૦ બોરી મગફળીની ચોરી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવતા મામલો ગરમાયો છે ત્યારે ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા મામલતદાર અને તલોદ પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તલોદ તાલુકાના ઉમેદની મુવાડી ગામની સીમમાં આવેલા ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનનના ગોડાઉનમાં સાબરકાંઠા જિલ્લા ખરીદ-વેચાણ સંઘને સરકાર મારફતે ચોમાસુ મગફળીની ખરીદી માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. કુલ ૧૦૪૪ ખેડૂતો પાસેથી ૮૪૧૦૩ બોરી મગફળીની ખરીદી કરી હતી.
ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશનના ગોડાઉનમાંથી મગફળીની આશરે ર૦૦ બોરીની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવતા પોલીસ ફરિયાદ કે તપાસ કરવાને બદલે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસો થયા હોય તેમ માત્ર તલોદ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ કરવાના બદલે અરજી આપીને સંતોષ માન્યો હતો.
સમગ્ર મામલે કિસાન સંઘના હોદ્દેદારોને જાણ થતા તલોદ પોલીસ મથકમાં જઈ પીઆઈ આશિષ ચૌધરી સમક્ષ રજુઆત કરી હતી. જેના આધારે પોલીસે ચાર શકમંદોની અટકાયત કરી તપાસ કરતા મગફળીની ચોરી થઈ હોવાની કબૂલાત પણ કરી છે ત્યારે સમગ્ર મામલે મામલતદાર તથા પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે અને મગફળી ચોરી કૌભાંડના મુખ્ય સુત્રોધાર સુધી આ મામલો લઈ જવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.