મંદરોઇ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ સફળતાપૂર્વક સંપન્ન
સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ તાલુકાનાં છેવાડાનાં કાંઠા વિસ્તારનાં મંદરોઇ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો ખેલકૂદ ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર યોજાયેલ આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં સ્પર્ધક બાળકો, સારસ્વતમિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
ઉપસ્થિત મહાનુભાવોએ મશાલ પ્રગટાવી રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાની શાળાઓનાં ૪૫૦ જેટલાં બાળકો તથા ૧૫૦ જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં અંતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સમગ્ર સ્પર્ધાનું પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું.
જે આ મુજબ છે.
લાંબીકૂદ (કુમાર) ઃ હાર્દિક આર. વાઘેલા ( કીમ પ્રા.શાળા) લાંબીકૂદ (કન્યા) ઃ સફિયાખાતુન સૈયદ (સાયણ પ્રા.શાળા), ગોળાફેંક (કુમાર)ઃ વિશાલ કે. રાઠોડ (સીથાણ પ્રા.શાળા), ગોળાફેંક (કન્યા)ઃ રેશુ જી. જાેગી (કુદિયાણા પ્રા.શાળા), યોગ (કુમાર) કાવ્યા એચ. પટેલ (કુદિયાણા પ્રા.શાળા), યોગ (કન્યા) ઃ વિશ્વા ડી. જાેગી (કુદિયાણા પ્રા.શાળા), ૧૦૦ મીટર દોડ (કુમાર) ઃ દિક્ષિત ડી. વસાવા (કીમ પ્રા.શાળા), ૧૦૦ મીટર દોડ (કન્યા) ઃ સાક્ષી એસ. રાઠોડ (કુદિયાણા પ્રા.શાળા).ખો-ખો સ્પર્ધામાં કીમ પ્રા.શાળા ચેમ્પિયન બની હતી.