લગ્ન પછી તરત જ સંતાન પેદા કરો આ રાજ્યના મુખ્યમંત્રીની સલાહ!

નવી દિલ્હી, હિન્દી ભાષા અને નવા સીમાંકન મુદ્દે કેન્દ્ર સામે બાંયો ચઢાવનારા તમિળનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને હવે રાજ્યના નાગરિકોને લગ્ન પછી તરત જ સંતાનો પેદા કરવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે વસતિના આધારે જો લોકસભાની બેઠકોનું સીમાંકન થશે તો તેનાથી તમિળનાડુને નુકસાન થશે કારણે રાજ્યએ સફળતાપૂર્વક વસતિ નિયંત્રણ અમલી બનાવ્યું છે. વસતિ આધારિત સીમાંકનથી તમિળનાડુના સાંસદોની સંખ્યા ઘટી શકે છે જેનાથી કેન્દ્ર સ્તરે રાજ્યના પ્રતિનિધિત્વમાં ઘટાડો થશે તેમ તેમણે જણાવ્યું હતું.
એક લગ્ન સમારંભને સંબોધતા સ્ટાલિને જણાવ્યું હતું કે, અગાઉના વર્ષાેમાં લોકો નવપરણિત યુગલોને લગ્ન પછી તરત બાળકને જન્મ નહીં આપવાની સલાહ આપતાં હતાં. પરંતુ હવે આ સલાહ આપવા જેવી નથી. કારણકે હવે એવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં સીમાંકનની કવાયત વસતિને આધારે કરવામાં આવશે. જે મુજબ જેટલી વધુ વસતિ હશે સાંસદોની સંખ્યા તેટલી વધારે હશે.
તેમણે કહ્યું કે, તમિળનાડુએ રાજ્યમાં વસતિ નિયંત્રણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેમાં સફળતા પણ મેળવી, પરંતુ હવે આ સફળતા તેના માટે દુઃખનું કારણ બનવા જઈ રહી છે.
સ્ટાલિને એમ પણ જણાવ્યું હતું કે, સીમાંકન એ રાજ્યના અધિકારો અને તેના હિતોની જાળવણી સાથે સંબંધિત છે, આથી આ મામલાને રાજકીય રીતે ના મૂલવવી જોઈએ. કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરતાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર દબાણપૂર્વક ત્રણ-ભાષાની નીતિ અમલી બનાવવા માગે છે અને આ જ પ્રમાણે સીમાંકનની કવાયત પણ હાથ ધરી તમિળનાડુની લોકસભાની બેઠકો પર કાપ મુકવા માગે છે.
સ્ટાલિને સીમાંકનની કામગીરી મામલે ચર્ચા કરવા માટે ૫ માર્ચના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ ઉપસ્થિત રહેવાની ખાતરી આપી છે. જોકે ભાજપ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી જી.કે. વાસનના નેતૃત્વવાળી ટીએમસી (મૂપનાર) આ બેઠકમાં ભાગ નહીં લે.SS1MS