તમિલનાડુમાં વાવાઝોડાનો ખતરો
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગ એ એક મહત્વપૂર્ણ હવામાન ચેતવણી જાહેર કરી છે કારણ કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે અને આગામી ૨૪ કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય તોફાનનો ખતરો વધી રહ્યો છે, જે આ સપ્તાહના અંત સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે ખતરો ઉભો કરી શકે છે.
હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત આ ડીપ પ્રેશર એરિયા ૧૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે હાલમાં ત્રિંકોમાલીથી લગભગ ૩૧૦ કિમી દક્ષિણ-પૂર્વમાં, નાગાપટ્ટિનમથી ૫૯૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, પુડુચેરીના ૭૧૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી ૮૦૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે.