ફરસાણના વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં: એકના એક તેલનો અનેક વખત ઉપયોગ
ગત ૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં મ્યુનિસિપલ વિભાગ દ્વારા ૧૪૧ ટોટલ પાવર કાઉન્ટ ટેસ્ટ કરાયા
મીઠાઈ અને ફરસાણના ૬૭ નમૂના મસાલાના ચાર નમૂના પેકેજ્ડ ડ્રિન્ક વોટરના ૧૩, કોલ્ડ ડ્રિન્કના ૧૨ મળીને કુલ ૨૪૧ નમૂના લીધા હોવાની વિગત જાણવા મળી છે.
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ભયજનક રીતે વિભિન્ન ખાદ્યપદાર્થાેમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મ્યુનિસિપલ ફૂટ વિભાગ દ્વારા રોજેરોજ અલગ અલગ વિસ્તારોમાં રેડ પાડીને ખાદ્યપદાર્થાેના નમૂના લેવાઈ રહ્યાં છે. જો કે ઓછા સ્ટાફના કારણે નમૂના લેવાની કામગીરીમાં બહુ આક્રમકતા લાવી શકાતી નથી, જેના કારણે ભેળસેળ ખોરોને ફાવતું જડે છે.
શહેરીજનોમાં ફાફડા-જવેલી, ગાંઠિયા, ભજિયાં જેવા ફરસાણ વર્ષાેથી પ્રિય હોવાથી ફરસાણના કેટલાક લેભાગુ વેપારીઓ આનો દુરુપયોગ કરીને એકના એક તેલમાં ફરસાણ બનાવતાં રહે છે, જેના કારણે આવા તેલમાં બનેલા ફરસાણનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે લોકોને લિવરની સમસ્યા, પેટના કેન્સર સહિતના ગંભીર રોગ તેમજ આંતરડામાં ચાંદા પડવા જેવી ઘાતક બીમારીઓ થઈ શકે છે અને હાલના સંજોગોમાં આવી જીવલેણ બીમરાઓનું પ્રમાણ પણ વધ્યું છે.
અમદાવાદીઓ સવારના નાસ્તામાં ફાફડા, ગાંઠિયા, પાપડી, મેથીના ગોટા, ખમણ, જલેબી વગેરે આરોગતા હોય છે. અમુક ઘરોમાં તો ગાંઠિયા, પાપડીનો ફાંકડો ભર્યા વગર સવાર પડતી જ નથી, જો કે લોકોની આ આદતનો કેટલાક ભેળસેળખોરો ભારે ફાયદો ઉઠાવી રહ્યાં છે. ઘરની રસોઈમાં પણ એકનું એક તેલ વાપરીએ તો આરોગ્યને નુકસાન થતું હોવાની ગૃહિણીઓ સારી રીતે જાણે છે એટલે કે સ્વાભાવિક રીતે ફરસાણના વેપારીઓ પણ આ બાબતથી માહિતગાર છે. તેમ છતાં કમનસીબે બહોળો નફો કમાવવા માટે આ લેભાગુ વેપારીઓ એકના એક તેલમાં અવનવા ફરસાણ બનાવતા રહે છે.
મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી જાળવવા માટે ફરસાણની દુકાનોમાં ઉકળતા તેલની ટોટલ પાવર કાઉન્ટ (ટીપીસી) મશીનથી ચકાસણી કરવામાં આવે છે. ઉકળતા તેલની કઢાઈને અડાડી આ ટીપીસી મશીન લગાડવાની સાથે જ તેનો કાઉન્ટ સ્કીન ઉપર ઝળહળી ઉઠે છે. ટીપીસી કાઉન્ટ ૨૫થી ઓછો હોય તો એ અમુક અંશે ખાવા યોગ્ય તેલ ગણાય છે,
પરંતુ જો ૨૫થી ઉપર હોય તો તેનો અર્થ એ થાય કે આ તેલ વારંવાર વપરાશમાં લેવાયું છે અને ખાવા યોગ્ય નથી. આવા તેલથી તળેલાં ફરસાણ ખાવાથી લોકોને લાંબા ગાળે લિવરના પ્રોબ્લેમ પેટના કેન્સર સહિતના વિવિધ રોગ, આંતરડામાં ચાંદા પડવા જેવી તકલીફો પણ થાય છે. અત્યારે જે પ્રકારે આવા રોગોએ માથું ઉંચક્યું છે તે જોતાં બજારમાં વેચાતાં ફરસાણ રોજેરોજ ખાવાં કેટલી હદે યોગ્ય છે એ પણ એક મોટો પ્રશ્ન છે.
દરમિયાન મ્યુનસિપિલ ફૂડ વિભાગે ગત ૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં ટીપીસીના ૧૪૧ ટેસ્ટ કર્યાં છે, મીઠાઈ અને ફરસાણના ૬૭ નમૂના મસાલાના ચાર નમૂના પેકેજ્ડ ડ્રિન્ક વોટરના ૧૩, કોલ્ડ ડ્રિન્કના ૧૨ મળીને કુલ ૨૪૧ નમૂના લીધા હોવાની વિગત જાણવા મળી છે.