ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ સહિત સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો તાના-રીરી મહોત્સવમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે
તાના-રીરી મહોત્સવનો 10 નવેમ્બરથી પ્રારંભ: ઐતિહાસિક શહેર વડનગર ખાતે બે-દિવસીય સમારોહમાં સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન રજૂ કરશે
વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે
પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાસ્ત્રીય ગાયન તથા લોકગાયક ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ ગાયન અને શશાંક સુબ્રમણ્યમ વાંસળી વાદનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે
આ વર્ષે વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી એવોર્ડ એનાયત કરવામાં આવશે
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસો છે. આ નગરી સંગીત, કળા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે. વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના-રીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે, જેનો શ્રેય આપણા દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. Renowned artists from the music industry including Osman Mir, Parthiv Gohil will mesmerize the audience at the Tana-Riri festival.
વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરથી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે.
આ વર્ષે આ મહોત્સવ 10 અને 11 નવેમ્બરે તાના-રીરી સમાધિ સ્થળ ખાતે યોજાવાનો છે જેમાં શ્રોતાઓ પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર તથા ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, શશાંક સુબ્રમણ્યમ વગેરે કલાકારોનો સંગીત સમારોહ માણી શકશે.
તાના-રીરી મહોત્સવ એટલે કલા, સંગીત અને સંસ્કારના વારસાને સાચવી રાખવાની પ્રતિબદ્ધતા
ગુજરાતના સંગીત ઇતિહાસમાં ગાયિકા બહેનો તાના-રીરીનું નામ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે. શાસ્ત્રીય સંગીતમાં આજે પણ રાગનો આલાપ કરતાં પહેલાં “નોમતોમતાનારીરી” ગાવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરી મલ્હાર રાગમાં પારંગત હતી. બંને નાગર બહેનોએ સંગીત સમ્રાટ તાનસેન દ્વારા ગાયેલા દીપક રાગથી તેમના શરીરમાં જે દાહ ઉત્પન્ન થઈ હતી, તેને શાંત કરી હતી.
આ વાતની જાણ બાદશાહ અકબરને થતાં અકબરે તાના અને રીરીને દરબારમાં રજૂ કરવાનો આદેશ આપ્યો, પણ બંને બહેનોએ આ માંગણી સ્વીકારવાને બદલે આત્મબલિદાન આપવાનું પસંદ કર્યું. આવી વીરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ આપવા માટે વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ, ઘાસકોર દરવાજા ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે, જેમાં સુપ્રસિદ્ધ ગાયકો અને કલાકારો સંગીતના સૂરો રેલાવીને સૌને મંત્રમુગ્ધ કરી દે છે.
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલા આ મહોત્સવને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો પ્રયાસ કરી રહી છે.
તાના-રીરી એવોર્ડથી સન્માનિત પ્રતિભાઓને ₹2.50 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે
કલા અને કલાકારોને હંમેશા બિરદાવવા માટે તત્પર રહેતા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ આપવાની શરૂઆત કરી હતી. 2010માં પ્રથમ વર્ષે રાષ્ટ્રકક્ષાનો આ એવોર્ડ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે તાનારીરી એવોર્ડ સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તાના-રીરી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને ₹2.50 લાખનો રોકડ પુરસ્કાર, તામ્ર પત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે.
આ વર્ષે તાના-રીરી મહોત્સવમાં આ પ્રસિદ્ધ કલાકારો સંગીતના સૂરો રેલાવશે
શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલા તાના-રીરી મહોત્સવમાં દેશના પ્રખ્યાત કલાકારો વડનગરની ઐતિહાસિક ભૂમિ પર તેમની સંગીતકળા રજૂ કરવા પધારે છે. આ વર્ષે પણ તારીખ 10 અને 11 નવેમ્બર 2024ના રોજ આયોજિત તાના-રીરી મહોત્સવમાં લોકપ્રિય કલાકારો ગાયન-વાદનની કલા રજૂ કરશે. 10મી નવેમ્બર, રવિવારે નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. તો જાણીતા લોકગાયક ઓસમાણ મીર તેમના ગાયનથી શ્રોતાઓને ડોલાવશે. 11મી નવેમ્બર, સોમવારે શ્રી શશાંક સુબ્રમણ્યમ વાંસળી વાદન અને પાર્થિવ ગોહિલ એન્ડ ગ્રુપ સંગીતના સૂરો રેલાવીને આ સમારોહ યાદગાર બનાવશે.
Osman Mir, Parthiv Gohil, Manasi Parekh, Maithili Thakur, Taalyogi Pandit Suresh Talwalkar, Shashank Subramanyam