Western Times News

Gujarati News

વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો સંગીતમય માહોલમાં આરંભ

ગુજરાતના સંગીતજ્ઞ શ્રી મોનિકા શાહ, કોલકત્તાના કંકણા બેનરજી અને પુણેના આરતી અંકલીકરને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા

રાજ્ય સરકાર કલા ક્ષેત્ર અને કલાકારોને પુરસ્કાર અને પ્રોત્સાહનનું પીઠબળ પૂરું પાડી કલાનું જતન અને સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે : મુખ્યમંત્રી 

રાજ્ય સરકારે લલિત કલા અને સાહિત્યને લોકભોગ્ય બનાવવાની નેમ રાખી છે-વડનગરના સર્વાંગી વિકાસ માટે નગરને ચાર ઝોનમા વિભાજીત કરી વડનગરનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે

રાજ્યના પ્રવાસન વિભાગે ₹92 કરોડના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટ નો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે

·        વડનગર ની પૂણ્ય ધરા ઉપરથી તાનારીરી એવોર્ડથી સન્માનિત ત્રણેય સંગીત નારી રત્નોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી

તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે તેમ વડનગર ખાતેથી તાના રીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં તાના-રીરી મહોત્સવ પ્રસંગે આવવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વનેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

પ્રાચીન અને પુરાતન સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંગીત, ધર્મ સ્થાનકો આ બધાનો સમયાનુકૂળ વિકાસ કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણે વિકસાવ્યું છે, તેવું કહી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા આ વિરાસતના વિકાસ અને સંવર્ધનનું કામ વડનગરની ધરાના જ સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-૨૦૧૦માં તાના-રીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી.આ પરંપરામાં આજે વર્ષ-૨૦૨૨નો એવોર્ડ સુશ્રી કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ ૨૦૨૩ માટે સુશ્રી આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગરના વિકાસની વાત કરતા મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું કે, આ ઐતિહાસિક નગર વડાપ્રધાનશ્રીના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને ‘પ્રેરણા સ્કૂલ’ તરીકે રાજ્ય સરકાર ડેવલપ કરી રહી છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રેરણા સ્કૂલનો આ અભિનવ વિચાર આપણે રાજ્યની અન્ય શાળાઓમાં પણ અમલી કરવા જઇ રહ્યા છીએ. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વતનભૂમિ વડનગરને ૨૦૧૭માં નવી GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલની ભેટ આપી છે.

રાજ્ય સરકાર કળા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠબળ આપીને આવી કલાપ્રવૃત્તિઓનું જતન-સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે, તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિદ્યાલય પરફોર્મીંગ આર્ટ્સ કોલેજ પણ વડનગરમાં રાજ્ય સરકારે શરૂ કરી છે.

વડનગર રેલ-વે સ્ટેશનને રિ-ડેવલપ કરવામાં આવ્યું છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનું પહેલું આર્કીયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ અહીં બની રહ્યું છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટુરીઝમ વિભાગે ૯૨ કરોડ રૂપિયાના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે.

આ ઉપરાંત હોલિસ્ટિક અને સ્ટ્રેટેજીક ડેવલપમેન્ટ માટે ચાર ઝોનમાં નગરના કામોનું વિભાજન કરીને વડનગર માસ્ટર પ્લાન આપણે બનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ના હસ્તે વર્ષ ૨૦૨૨ નો તાના રીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી અને ગુજરાતના શ્રી મોનિકા શાહ અને વર્ષ ૨૦૨૩નો  એવોર્ડ શ્રી આરતી અંકલિકરને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવો, કલાકારો અને સ્થાનિક નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે.પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીભાઈ પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, મહેસાણા જિલ્લા કલેકટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી એચ.એલ. ત્યાગી, જાણીતા કલાકાર શ્રીઅનુપમા ભાગવત અને વિદુષી વર્મા સહિત  આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.