હાઈવે પર LPG ભરેલું ટેન્કર પલટ્યુંઃ ગેસ ગળતર ન થતાં મોટી દુર્ઘટના ટળી
દાહોદ, દાહોદ તાલુકાના મુવાલિયા નજીકથી પસાર થતા ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલા ક્રોસિંગ પર ઓચિંતુ ડમ્બર આવી જતા એલપીજી ટેન્કર ભરેલા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
એલપીજી ટેન્કરનો ચાલક ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી એલપીજી ગેસ ભરી ઈન્દોર જવા માટે રવાના થયો હતો જયાં રસ્તામાં દાહોદ શહેરના તદ્દન નજીક મુવાલિયા ક્રોસિંગ પર ઓચિંતુ ડમ્પર આવી જતા ડમ્પરને બચાવવા જતા એલપીજી ગેસ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબક્યો હતો.
આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આવેલી દાહોદ ગ્રામ્ય પોલીસે ગેસ ગળતરની આશંકાએ દાહોદના ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી જે બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના ફાયર ઈન્સ્પેકટર દીપેશ જૈને પ્રારંભિક તપાસ બાદ ગેસ ગળતર ન થતો હોવાની પુષ્ટિ કરતા પોલીસ અને સંબંધિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે આ બનાવમાં ટેન્કર રોડની સાઈડમાં ખાડામાં ખાબકતા વાહન વ્યવહારને કોઈપણ પ્રકારે પ્રભાવિત થયું નહોતું જયારે સ્થાનિક પોલીસે નજીકમાં કેન મારફતે ટેન્કરને સીધુંકરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી જોકે આ બનાવમાં સદભાગ્ય કોઈ જાનહાની બનવા પામી નહોતી.