૭૬માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાને મળશે રૂ. ૨૪૦ કરોડની ભેટ
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ૨૪૦ કરોડના ૬૧ કામોના ઇ લોકાર્પણ-ખાતમુહુર્ત કરાશે
તાપી જિલ્લામાં યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે રૂ. ૨૪૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.
“સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ” ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં પ્રજાસત્તાકની ઉજવણી થશે. ગુજરાત રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લાના પટાંગણ થનાર છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની રાહબરી હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે.
આ અવસરે તાપી જિલ્લામાં રૂ. ૧૨૪ કરોડના ૨૦ કામોના લોકાર્પણ અને ૧૧૫ કરોડના ૪૧ કામોના ખાતમુહુર્ત મળી કુલ ૨૪૦ કરોડના ૬૧ કામોના ઇ. લોકાર્પણ-ખાતમુહુર્તનું આયોજન તાપી જિલ્લામાં કરાયું છે. જે તાપી જિલ્લાની પ્રગતિમાં વધારો કરશે.
વિગતવાર જોઇએ તો, માર્ગ અને મકાન વિભાગ, તાપી (રસ્તા), આદિજાતિ વિકાસ વિભાગ (ઉદ્વહન સિંચાઇ, અ૨ છાત્રાલય તથા ૧ હાટ બજાર), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ-તાપી, ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-ગાંધીનગર, કામધેનુ યુનિવર્સિટી-ઉકાઇ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ-તાપી, પ્રાથમિક શિક્ષણ વિભાગ, તાપી, ઉકાઇ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ – ૨, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ-તાપી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-તાપી, દક્ષિણ ગુજરાત વીજ કં.લિ-તાપી મળી રૂપિયા ૨૪૦ કરોડના ૬૧ કામોનું ઇ. લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે.