તાપીના પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામ: કલેકટરે તપાસ કરીને રિપોર્ટ કરવા માટેનો આદેશ કર્યો
સુરત, સુરત પાસે ભાઠામાં તાપી કિનારે સીઆરઝેડમાં મોટાપાયે બાંધકામ શરૂ કરાતા સામે આવેલા વિવાદમાં કલેકટર સૌરભ પારધીએ ઓલપાડ પ્રાંતને તપાસ કરીને રિપોર્ટ કરવા માટેનો આદેશ કર્યો હતો. તેમાં હકીકત પુરવાર થઈ છે. વર્ષ ર૦૦૬ના પૂર પછી આ વિસ્તાર ‘નો ડેવલપમેન્ટ ઝોન’ જાહેર કરાયો હતો. છતાં મોટાપાયે બાંધકામ શરૂ કરાયું હોવાની હકીકત ઓલપાડ પ્રાંત કચેરીએ તેની તપાસમાં નોંધ્યું છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારાના બેટમાં આશરે ૧૦૦૦થી ૧ર૦૦ વીઘા જમીન સરકારી અને આશરે ૩૦૦થી ૩પ૦ વીઘા ખાનગી જમીન છે. આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો ડૂબાણ જેવો વિસ્તાર હતો. વર્ષ ર૦૦૬ના પૂર વખતે પણ આ જમીન ઉપર થયેલી ડેવલપમેન્ટની પ્રક્રિયાને કારણે સુરતને અવળી અસર થઈ હતી.
પરિણામે તે વખતે પૂર તપાસ પંચના અધ્યક્ષ એવા નિવૃત્ત જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટે આ જમીનો ઉપર નો-ડેવલપમેન્ટ લાગુ કરવાની ભલામણ કરતાં સરકારે તેની ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જો કે, હવે ભાઠાના બ્લોક નં.૬૦૮ અને ૬ર૮ વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી.
ઓસપાડ પ્રાંત કરેલી સ્થળ તપાસમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે, નો કન્સ્ટ્રકશન ઝોનમાં સર્વે નં.૬૦૮, ૬ર૭ અને ૬ર૮માં પુરાણ કરીને ચાર ડોમ, સ્ટેપવેલ, લોખંડના સ્ટ્રકચર અને રસ્તા બનાવવાની તજવીજ કરાઈ છે. હવે આ જમીન શહેરમાં સામેલ થઈ ચૂકી છે. એટલે હવે આગળની કાર્યવાહી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોન દ્વારા કરવાની થાય છે.