ટાટા ગ્રુપ આસામમાં દેશની પ્રથમ સ્વદેશી સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Inverse-Semiconductor-1024x680.jpg)
વિશ્વભરના ગ્રાહકોની માંગ સંતોષવા ઓટોમોટિવ, મોબાઇલ ડિવાઇસીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની એપ્લિકેશન્સ તથા અન્ય મહત્વના સેગમેન્ટ્સ માટે સેમીકંડક્ટર ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે આસામમાં ગ્રીનફિલ્ડ ફેસિલિટીમાં રૂ. 27,000 કરોડનું રોકાણ કરશે
મુંબઈ, ભારતમાં એન્ડ-ટુ-એન્ડ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે એક મહત્વના પગલાંમાં ભારત સરકારે આસામના જાગીરોડમાં અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી ઊભી કરવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ ફેસિલિટી રૂ. 27,000 કરોડના રોકાણ સાથે ઊભી કરાશે અને પ્રદેશમાં 27,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઊભી કરશે. Tata Group to Build the Nation’s First Indigenous Semiconductor Assembly and Test facility in Assam to Serve Global Customers.
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) આ ફેસિલિટી ઊભી કરશે જેનું ધ્યાન મુખ્યત્વે ત્રણ મહત્વની પ્લેટફોર્મ ટેક્નોલોજીસ પર છે – વાયર બોન્ડ, ફ્લિપ ચિપ અને એક અલગ પ્રકારની ઓફરિંગ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ પેકેજિંગ (આઈએસપી). તેની સાથે ભવિષ્યમાં એડવાન્સ્ડ પેકેજિંગ ટેક્નોલોજીસના રોડમેપને વિસ્તારવાની યોજના પણ છે.
આ ટેક્નોલોજીઓ ઓટોમોટિવ (ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ), કમ્યૂનિકેશન્સ, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રોમાં ભારતમાં મહત્વની એપ્લિકેશન્સ માટે ખૂબ જ જરૂરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે આ તમામ પ્લેટફોર્મ્સ માટે સ્વદેશી ટેક્નોલોજી નિર્માણમાં નોંધપાત્ર રોકાણ કરી દીધું છે અને આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે 1,000થી વધુ વર્ષોના ગ્લોબલ ડોમેન અનુભવ ધરાવતી ખૂબ જ વિશ્વાસપાત્ર ટીમને કામે લગાડી છે. આ સૂચિત ફેસિલિટી એઆઈ, ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મહત્વના માર્કેટ સેગમેન્ટ્સમાં વધતી વૈશ્વિક માંગને સંતોષશે.
2025ના મધ્ય ભાગ સુધીમાં ફેસિલિટીના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થવાની સાથે તેનું બાંધકામ આ વર્ષે શરૂ થવાનું છે અને તે ઉત્તર-પૂર્વ ભારતમાં ઔદ્યોગિકીકરણને મોટાપાયે પ્રોત્સાહન પૂરું પાડશે. આ પ્રોજેક્ટની કલ્પના ભારત સરકારની સેમીકંડક્ટર નીતિ હેઠળ કરવામાં આવી છે જે ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન અને આસામ સરકારની ઈલેક્ટ્રોનિક્સ નીતિ દ્વારા સંચાલિત છે.
સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ એ સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં સેમીકંડક્ટર ફેબ્સ દ્વારા ઉત્પાદિત વેફર્સને એસેમ્બલ અથવા પેક કરવામાં આવે છે અને પછી તેનું પરિક્ષણ કરીને બાદમાં ઇચ્છિત પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટમાં નવીનતાઓ કાર્યક્ષમતામાં વધારો, ફોર્મ ફેક્ટરમાં ઘટાડો અને સેમીકંડક્ટર ચિપ્સની કિંમતમાં ઘટાડો કરી રહી છે.
આ જાહેરાત અંગે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માર્કેટ માટે એક અનોખા સમયમાં છીએ અને વિશ્વ વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન શોધી રહ્યું છે. સેમીકંડક્ટર ફેબની અમારી જાહેરાત અને સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટમાં આ વ્યૂહાત્મક પ્રોજેક્ટ સાથે અમે અમારા વૈશ્વિક ગ્રાહકોને ભારતમાં તેમની સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનનો મુખ્ય ભાગ બનાવવા માટે સક્ષમ બનાવીશું. વૈશ્વિક સપ્લાય ચેઇનના જોખમોને ઘટાડવાની સાથે સાથે મને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ખાસ કરીને ઉત્તર-પૂર્વમાં ટેક્નોલોજીની આગેવાની હેઠળના ઔદ્યોગિકીકરણ અને રોજગાર સર્જન તરફ પરિવર્તનકારી અસર ઊભી કરશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારત સરકારે વ્યાપક કેન્દ્રીય ને રાજ્ય સેમીકંડક્ટર નીતિ તૈયાર કરી છે. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન અને આસામ સરકારના સમર્થન સાથે આ જાહેરાત શક્ય બની છે.”
ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને એમડી ડો. રણધીર ઠાકુરે જણાવ્યું હતું કે “સેમીકંડક્ટર વેલ્યુ ચેઇનમાં સેવાઓ પૂરી પાડવાની વ્યૂહરચના અમને બધાથી અલગ પાડે છે અને ટાટા ઇલેક્ટ્રોનિક્સને ગ્રાહકો સુધી સંપૂર્ણ સિસ્ટમ ઓફરિંગ પૂરું પાડે છે. અમારી પાસે એક નિર્ણાયક તક છે જેમાં અમે ભારતમાં ઉત્પાદન માટે વૈશ્વિક કંપનીઓ પાસેથી મોટી સંખ્યામાં ગ્રાહકોની માંગ જોઈ રહ્યા છીએ અને અમે આ તકનો ઉપયોગ કરીને ટેક્નોલોજી ઇનોવેશન થકી મોટી છલાંગ ભરવાની યોજના ધરાવીએ છીએ. આ રોકાણ ભારતને ગ્લોબલ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે ખૂબ આગળ લઈ જશે અને હાઈ ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગ માટેની સંપૂર્ણ સ્થાનિક ઇકોસિસ્ટમ ઊભી કરશે તથા સ્થાનિક પ્રોડક્ટ ઇકોસિસ્ટમ માટે સક્ષમ બનાવશે.”
જાગીરોડમાં આ સૂચિત ફેસિલિટી વિપુલ પ્રમાણમાં પાણી અને ગ્રીન પાવર ધરાવે તે રીતે વ્યૂહાત્મક રીતે સ્થિત છે જે ટાટા ગ્રુપ અને તેના વિશ્વભરના ગ્રાહકો માટે ટકાઉપણાનું મુખ્ય પરિબળ છે. આસામ એ તાઇવાન, મલેશિયા, વિયેતનામ અને સિંગાપોર જેવા દેશોમાં હાલના સેમીકંડક્ટર પેકેજિંગ અને ટેસ્ટ હબની ખૂબ નજીક આવેલું છે. આસામ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાંથી ટેક્નિકલ અને એન્જિનિયરિંગ વર્કફોર્સ ધરાવે છે જે આ પ્રોજેક્ટ માટે સ્થિર રીતે પ્રતિભાઓ પૂરી પાડશે અને એક આખી ઇકોસિસ્ટમ વિકસાવવામાં યોગદાન આપશે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સની આ નવી પહેલ ભારતને આધુનિક સેમીકંડક્ટર ટેક્નોલોજીનો પોર્ટફોલિયો, એડવાન્સ્ડ સ્કીલસેટ અને ટેલેન્ટ તથા સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાયર્સ તથા ઇકોસિસ્ટમ પાર્ટનર્સનું નેટવર્ક પૂરું પાડશે જેના લીધે ભારતમાં સ્વદેશી સેમીકંડક્ટર ઇકોસિસ્ટમ ઊભી કરવાનો પાયો નંખાશે. આ એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી એન્ડ-યુઝર્સ તથા ભારત અને વિશ્વના ઓઈએમ (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) ને સેમીકંડક્ટર ચિપ્સ સીધેસીધી મોકલવા માટે સક્ષમ બનાવશે.