ટાટા પાવર ગુજરાતમાં ધોલેરા સોલર પાર્કમાં 100 મેગાવોટ સોલર પ્રોજેક્ટ વિકસાવશે
ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપની ટાટા પાવરે ગુજરાતના ધોલેરા સોલર પાર્કમાં 100 મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલર પ્રોજેક્ટને વિકસાવવા માટે 9 ઓક્ટોબર, 2020ને શુક્રવારના રોજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યો હોવાની જાહેરાત કરી હતી.
આ પ્રોજેક્ટની વાણિજ્યિક કામગીરી જે તારીખથી શરૂ થશે એ તારીખથી 25 વર્ષના ગાળા માટે માન્ય વીજ ખરીદી સમજૂતી (પીપીએ) અંતર્ગત ઊર્જાનો પુરવઠો જીયુવીએનએલને પૂરો પાડવામાં આવશે. કંપનીએ માર્ચ, 2020માં જીયુવીએનએલએ જાહેર કરેલી બિડમાં આ પ્રોજેક્ટ મેળવ્યો છે. આ પ્રોજેક્ટ પીપીએના અમલની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.
આ કોન્ટ્રાક્ટ મળવાની સાથે ગુજરાતમાં વિકાસ અંતર્ગત ક્ષમતા 620 મેગાવોટ થશે, જેમાંથી 400 મેગાવોટ ઊર્જાની ક્ષમતા ધોલેરા સોલર પાર્કમાં ઊભી થશે.
ટાટા પાવર કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 35થી 40 ટકા હિસ્સો સ્વચ્છ ઊર્જા પેદા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે દિશામાં કંપનીના પ્રયાસમાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જેનાથી લાંબા ગાળે દેશમાં પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ ઊર્જા વધારે પેદા થશે.
પ્લાન્ટ દર વર્ષે આશરે 246 MUs પેદા કરશે એવી અપેક્ષા છે તથા દર વર્ષે અંદાજે 246 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડને ઓફસેટ કરશે.
ટાટા પાવરની રિન્યૂએબલ ઊર્જાની ક્ષમતા વધીને 3936 મેગાવોટ થશે, જેમાંથી 2637 મેગાવોટ ઊર્જા પેદા થઈ રહી છે અને 1299 મેગાવોટ ઊર્જા માટેના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે, જેમાં આ એલઓએ હેઠળ 100 મેગાવોટ ઊર્જા સામેલ છે.