ટાટા ટેક્નોલોજીસે IPO દ્વારા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 791 કરોડનું ફંડ એકત્ર કર્યું
એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે ડિજિટલ સેવાઓ પૂરી પાડતી ટાટા ટેક્નોલોજીસે રોકાણકારો માટે આઈપીઓ લોન્ચ કરતાં પહેલાં મંગળવારે પ્રિ-આઈપીઓ હેઠળ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 791 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
લગભગ બે દાયકા બાદ આઈપીઓ લાવનારી આ ટાટા ગ્રુપની પ્રથમ કંપની છે, ગ્રૂપનો તે અગાઉ 2004માં છેલ્લો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝનો આઈપીઓ હતો. બીએસઈ વેબસાઈટ પર રજૂ કરેલા સર્ક્યુલર અનુસાર, કંપનીએ રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસ પર 67 ફંડ્સને કુલ 1.58 કરોડ ઈક્વિટી શેર્સ ફાળવ્યા છે. જે તેની પ્રાઈસ બેન્ડની અપર રેન્જ છે. એન્કર રોકાણકારોમાં ગોલ્ડમેન સાસ (સિંગાપોર) પીટીઈ, કોપ્ટહેલ મોરિશિયંસ ઈન્વેસ્ટમેન્ટ લિ., ગર્વમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ સામેલ છે.
વધુમાં, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓએ એન્કર બુકમાં ભાગ લીધો હતો જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ (MF), આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ MF, નિપ્પોન ઇન્ડિયા MF, કોટક MF, એક્સિસ MF બંધન MF, એડલવાઇસ MF, સુંદરમ MF, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની અને એચડીએફસી લાઇફનો સમાવેશ થાય છે.
કંપનીનો રૂ. 475થી 500ની ઈશ્યૂ પ્રાઈસ હેઠળનો પબ્લિક ઈશ્યૂ આજે 22 નવેમ્બરે ખૂલ્યો છે. જે 24 નવેમ્બરે બંધ થશે. ટાટા મોટર્સની બ્રાન્ચ ટાટા ટેક્નોલોજીસનો પબ્લિક ઈસ્યુ સંપૂર્ણપણે 6.08 કરોડ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) છે.
ઓફર ફોર સેલ હેઠળ, ટાટા મોટર્સ 4.63 કરોડ શેર ઓફલોડ કરશે, જે 11.4 ટકા હિસ્સો દર્શાવે છે. ખાનગી ઇક્વિટી ફર્મ આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 97.17 લાખ શેર અથવા 2.4 ટકા હિસ્સો વેચશે, અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ I 48.58 લાખ શેર અથવા 1.2 ટકા. હિસ્સો વેચશે. ઇશ્યૂ પ્રાઇસ બેન્ડના નીચલા અને અપર બેન્ડમાં કંપની અનુક્રમે રૂ. 2,890.4 કરોડ અને રૂ. 3,042.5 કરોડનું ફંડ એકત્ર કરશે.
કંપનીએ તેના કર્મચારીઓ માટે IPOમાં 20.28 લાખ શેર અને ટાટા મોટર્સના શેરધારકો માટે 60.85 લાખ શેર અનામત રાખ્યા છે. ગયા મહિને, ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજિસનો 9.9 ટકા હિસ્સો TPG રાઇઝ ક્લાઇમેટને રૂ. 1,613.7 કરોડમાં વેચવા માટે એક કરાર કર્યો હતો.
જેએમ ફાઇનાન્શિયલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ અને બોફા સિક્યોરિટીઝ કંપનીને આઇપીઓના સલાહકાર તરીકે બુક-રનિંગ લીડ મેનેજર છે. Tata Technologiesના ઇક્વિટી શેર 30 નવેમ્બર, 2023ના રોજ બીએસઈ અને એનએસઈ ખાતે લિસ્ટ થશે.