Western Times News

Gujarati News

સાણંદમાં આવેલો Fordનો પ્લાન્ટ ખરીદી લેશે Tata

અમદાવાદ, અમેરિકાની દિગ્ગજ ઓટો કંપની ફોર્ડ મોટર્સ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી ચૂકી છે. કંપનીએ ભારતમાં પોતાનો પ્લાન્ટ ટાટા મોટર્સને વેચી દીધો છે.

ટાટા મોટર્સની સહયોગી કંપની ટાટા પેસેન્જર્સ ઈલેક્ટ્રિક મોબોલિટી લિમિટેડનું કહેવું છે કે ગુજરાતના સાણંદમાં આવેલો ફોર્ડ મોટર્સના પ્લાન્ટની ડીલ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં પૂરી થઈ જશે. બંને કંપનીઓ વચ્ચે આ માટે ગત વર્ષે ઓગસ્ટમાં ૭૨૫.૭ કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા ત્રણ લાખ યુનિટની છે. જેને વધારીને ૪,૨૦,૦૦૦ યુનિટ સુધી વધારી શકાય છે.

ડીલ મુજબ ફોર્ડ ઈન્ડિયાના તમામ કર્મચારીઓને જૂની શરતો પર ટાટા મોટર્સમાં નોકરીની ઓફર આપવામાં આવી છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સંબંધિત સરકારી મંજૂરીઓની પ્રાપ્તિ સહિત ટ્રાન્ઝેક્શન માટે જરૂરી શરતની પૂર્વધારણાઓ પૂરી કર્યા બાદ બંને પક્ષોએ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ડીલ પૂરી કરવા તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે. ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચે આ બીજી ડીલ છે.

આ પહેલા ટાટાએ માર્ચ ૨૦૦૮માં જેગુઆર લેન્ડ રોવરને ફોર્ડ પાસેથી ૨.૩ અબજ ડોલરમાં ખરીદી હતી. વર્ષે ૨૦૧૧માં ફોર્ડે અંદાજીત ૮૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને સાણંદમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવ્યો હતો. ૧૦ વર્ષ દરમિયાન ભારરતીય માર્કેટમાં ૨ બિલિયન ડોલરનું નુકસાન સહન કર્યા બાદ અંતે ફોર્ડે ભારત છોડવાનો ર્નિણય કર્યો હતો અને બાદમાં તમામ કારનું પ્રોડક્શન જ બંધ થઈ ગયું હતું.

હવે આ પ્લાન્ટમાં ટાટા મોટર્સ પોતાની ઈલેક્ટ્રિક કાર બનાવશે. ફોર્ડ મોટર્સના ચેરમેન બિલ ફોર્ડે ૧૯૯૯માં રતન ટાટા સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ તે સમય હતો જ્યારે ટાટાની ઈન્ડિકા નિષ્ફળ જઈ રહી હતી. રતન ટાટાએ તેને ફોર્ડને વેચવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે બિલ ફોર્ડે અમેરિકામાં રતન ટાટાને કહ્યું હતું કે જ્યારે પેસેન્જર કાર બનાવવાનો કોઈ અનુભવ ન હતો તો તમે કેમ બનાવવાનું શરૂ કર્યું હતું. અમે તમારો કાર બિઝનેસ ખરીદીને તમારી પર અહેસાન કરીશું. ત્યારે રતન ટાટાને મોટો ઝાટકો લાગ્યો હતો. તે રાત્રે તેમણે કાર બિઝનેસ વેચવાનો ર્નિણય બદલી દીધો હતો. બાદમાં તો ટાટા મોટર્સ ઓટો સેક્ટરની અગ્રણી કંપની બની ગઈ છે.

ટાટા મોટર્સ પાસે ઘણી બેસ્ટ સેલિંગ કાર હતી જ્યારે ફોર્ડને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. તેની બે બ્રાન્ડ જેગુઆર અને લેન્ડ રોવર ખરાબ હાલતમાં હતી. ત્યારે ટાટા મોટર્સે તેમને ખરીદવાની ઓફર ફોર્ડને કરી હતી. ડીલ માટે ફોર્ડની ટીમ મુંબઈ આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.