Western Times News

Gujarati News

ક્રૂડ પરનો ટેક્સ ૨૭ ટકા ઘટાડીને ટન દીઠ ૧૭૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો

નવી દિલ્હી, તાજેતરમાં સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર જંગી વિન્ડફોલ ટેક્સ નાખ્યો હતો જેના કારણે રિલાયન્સ અને ONGC જેવી કંપનીઓને મોટો ફટકો પડ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતાની સાથે જ સરકારે આ ટેક્સમાં કાપ મુક્યો છે જેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ONGCને મોટી રાહત મળી છે.

સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું કે પેટ્રોલની નિકાસ પરનો લિટરે ૬ રૂપિયાનો ટેક્સ સાવ દૂર કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ અને ATFની નિકાસ પર લિટર દીઠ બે રૂપિયા સુધી ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. ઘરઆંગણે ઉત્પાદિત ક્રૂડ પરનો ટેક્સ પણ લગભગ ૨૭ ટકા ઘટાડીને ટન દીઠ ૧૭,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જ એવા અણસાર મળી ગયા હતા કે ક્રૂડના ભાવ ઘટવાના કારણે સરકાર ફ્યુઅલ નિકાસકારોને વિન્ડફોલ ટેક્સમાં રાહત આપવા વિચારી રહી છે.

ભારતે પહેલી જુલાઈએ આ ટેક્સ ઝીંક્યો હતો અને ૨૦ દિવસની અંદર તેમાં કાપ મુકવામાં આવ્યો છે. ભારતની જેમ બીજા દેશોએ પણ ફ્યુઅલની નિકાસ પર ઉંચો ટેક્સ નાખ્યો હતો. ક્રૂડના ભાવ ઉંચા હતા ત્યારે રિલાયન્સ અને ONGC જેવી રિફાઈનર અને ઓઈલ ઉત્પાદક કંપનીઓને નફામાં અત્યંત ઉંચું માર્જિન મળતું હોવાથી ટેક્સ નાખવામાં આવ્યો હતો.

હવે ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ ઘટવાની સાથે માર્જિન ઓછું થયું હોવાથી ટેક્સમાં કાપ મુકાયો છે. વિશ્વભરમાં મંદીની ધારણાએ જૂનના મધ્યથી ઓઈલના ભાવ ઘટવાના શરૂ થયા છે.

રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત વખતે જે ભાવ બેરલ દીઠ ૧૩૦ ડોલર સુધી પહોંચ્યા હતા તે તાજેતરમાં ઘટીને ૯૮ ડોલર થયા હતા. ભારતમાંથી જે પેટ્રોલ અને ડીઝલની નિકાસ થાય છે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જી લિ.નો લગભગ ૮૦થી ૮૫ ટકા હિસ્સો છે. ઓઈલ અને ગેસ ઉત્પાદકો માટે વિન્ડફોલ ટેક્સ ઘટાડવા માટે સરકાર કેટલાક સમયથી વિચારી રહી હતી.

શરૂઆતમાં એવી વાતો વહેતી થઈ હતી કે ક્રૂડનો ભાવ ૪૦ ડોલર થશે ત્યારેજ વિન્ડફોલ ટેક્સ દૂર કરવામાં આવશે, પરંતુ સરકારે માત્ર ત્રણ અઠવાડિયાની અંદર ટેક્સમાં કાપ મુક્યો છે.

ચીનમાં કોવિડના વધતા કેસ અને અમેરિકામાં મંદીની ચિંતા વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ૧ જુલાઈથી પેટ્રોલ અને એટીએફ પર બેરલ દીઠ ૧૩ ડોલર અને ડીઝલ પર બેરલ દીઠ ૨૫ ડોલરનો ટેક્સ હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.