જનશક્તિના સામર્થ્યથી વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરીએ
પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનમાં નિ-ક્ષય મિત્ર રૂપે સહયોગી બનવાનું આહ્વાન કરતા કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત -વર્ષ 2025 સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાના સંકલ્પ સાથે “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”નો શુભારંભ કરતા રાષ્ટ્રપતિશ્રી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી વર્ષ 2025 સુધીમાં ભારત દેશને ટી.બી. મુક્ત કરવાના સંકલ્પ સાથે “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”નો શુભારંભ કરતા જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ટી.બી. મુક્ત વિશ્વ માટે અનુરોધ કર્યો છે, ત્યારે ભારતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2025 સુધીમાં ભારત દેશને ટી.બી. થી મુક્ત કરવા સંકલ્પ કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયાસ અને જનશક્તિના સામર્થ્યથી વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરીએ. તેમણે જણાવ્યુ હતુ કે, વિશ્વના 25 ટકા ટી.બી.ના દર્દીઓ ભારત દેશમાં છે, ત્યારે ટી.બી. મુક્ત ભારત અભિયાનને જન-આંદોલનનું રૂપ આપવું પ્રત્યેક નાગરિકની ફરજ છે.
રાષ્ટ્રપતિશ્રીએ “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”ની સાથે નિ-ક્ષય 2.0 પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને જણાવ્યુ હતું કે, ટી.બી.ના દર્દીઓને સામુદાયિક સહાય દ્વારા આરોગ્ય સુવિધાની સાથે પોષણ સહાય આપવા નિ-ક્ષય મિત્ર યોજના લાભદાયી બનશે. તેમણે ટી.બી. ઉન્મૂલનના જન-કલ્યાણના કાર્યમાં જન-પ્રતિનિધિઓ, કોર્પોરેટ સંસ્થા, બિન-સરકારી સંગઠનો સહિત નાગરિકોને નિ-ક્ષય મિત્ર યોજનામાં સહભાગી બની સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ ટી.બી. નિર્મૂલનના આ જનઆંદોલનમાં રાજ્યપાલોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી. આ અવસરે રાષ્ટ્રપતિશ્રીએ “પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર”ના સૂત્રને અનુસરી ટી.બી.ના રોગને અટકાવવા જનજાગૃતિ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ તંદુરસ્ત સમાજ માટે ટી.બી.ના રોગને જોખમકારક ગણાવી જણાવ્યુ હતુ કે, વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારતના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા પરીણામલક્ષી કાર્ય કરવા સૌ કટિબદ્ધ બને. તેમણે આ અભિયાન અંતર્ગત નિ-ક્ષય મિત્ર રૂપે ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ સહયોગી બનવા જનપ્રતિનિધિઓ, કોર્પોરેટ ક્ષેત્રો, સહકારી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓને અનુરોધ પણ કર્યો હતો.
આ વર્ચુઅલ કાર્યક્રમમાં દેશના જુદાં-જુદાં રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, આરોગ્ય વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભારતી પ્રવિણ પવાર, રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્યોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુરૂઆતમાં સચિવશ્રી, રાજેશ ભુષણે “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન” વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.