Western Times News

Gujarati News

TCS ની દાદાગીરી સામે મ્યુનિ. અધિકારીઓ લાચાર

મ્યુનિ. કર્મચારીઓના પગાર અટવાયા :TCSનો કોન્ટ્રાકટ પુર્ણ થયો હોવા છતાં ડેટા ટ્રાન્સફર થયા નથી : મ્યુનિ. કર્મચારીઓના પગાર અટવાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ દેશની શ્રેષ્ઠ ઈ-ગર્વનન્સ સેવાના બણગા ફુકતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો છેલ્લા કેટલાક મહીનાથી ખાનગી કંપનીની દાદાગીરી સામે લાચાર બની ગયા છે.

મ્યુનિ. ઈ-ગર્વનન્સ સોલ્યુશન માટે ર૦૧૩ના વર્ષથી ટીસીએસ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જેની મુદત પુર્ણ થતા નવા ટેન્ડર જાહેર કરી નવી કંપનીને કોન્ટ્રાકટ આપવાના કામને મંજુરી આપવામાં આવી છે

પરંતુ જુના કોન્ટ્રાકટર દ્વારા મનપાના તમામ અગત્યના “ડેટા” લોક કરવામાં આવ્યા છે. તદ્‌પરાંત ચોંકાવનારી માહિતી મુજબ ચાલુ મહીનાથી “સેલેરી મોડ્યુલ” પણ અનલોક કરવામાં આવ્યુ નથી

જેના કારણે કર્મચારીઓના પગાર બીલ તૈયાર કરવામાં તકલીફ થઈ રહી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જુન મહીનામાં ઈ-ગર્વનન્સ સોલ્યુશન માટે “માઈક્રોટેક આઈ.ટી. સીસ્ટમ પ્રા.લી.”ને પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આપવા માટે મંજુરી આપવામાં આવી છે.

જેના માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષમાં રૂા.૧૭ કરોડ રૂપિયા માઈક્રોટેક કંપનીને ચુકવવામાં આવશે. અગાઉ આ કોન્ટ્રાકટ ટીસીએસ કંપનીને સોંપવામાં આવ્યો હતો જેના માટે રૂા.૩પ કરોડની રકમ ચુકવવામાં આીવ છે.

ટીસીએસ કંપનીની સોફટવેર મુદત ૩૦ જુને પૂર્ણ થઈ છે. જયારે હાર્ડવેર મુદત જાન્યુઆરી- ર૦ર૦માં પૂર્ણ થતા વધુ ૧૪ માસનું એક્ષટેન્શન આપવામાં આવ્યુ હતુ.

જેના માસિક રૂા.૪.રપ કરોડ આપવામાં આવ્યા છે. મ્યુનિ. ઈ.ગર્વનન્સ વિભાગ દ્વારા માઈક્રોટેક કંપનીને કામ આપવામાં આવ્યા પહેલા ટીસીએસને મુદત પૂર્ણ થતા કામ બંધ કરવા લેખિત નોટિસ આપવામાં આવી હતી

નવા કોન્ટ્રાકટર માઈક્રોટેક કંપની દ્વારા ૧ જુલાઈથી કામ સંભાળવામાં આવ્યુ છે. કંપની પ્રથમ ચાર મહીના “ડેટા” કલેકશન માટે કામ કરશે.

પરંતુ મ્યુનિ. સુત્રોના જણાવ્યા મુજબ ટીસીએસ કંપની દ્વારા મનપાના અધિકારીઓને કોઈપણ માહિતી પુરી પાડવામાં આવતી નથી. મ્યુનિ. કમિશ્નર કે હોદ્દેદારો કોઈ માહિતી માંગે તો અધિકારીઓ લાચાર બની જાય છે તથા ટીસીએસના કર્મચારીઓ સમક્ષ લાચાર બની જાય છે.

આર.ટી.આઈ.ની માહિતી માટે પણ અધિકારીઓ પરાવલંબી બની ગયા છે. ચોંકાવનારી માહિતી મુજબ ઓગસ્ટના પગાર માટે ટીસીએસ કંપની દ્વારા સેલેરી મોડ્યુલ ઓપન કરવામાં આવ્યુ નથી.

મ્યુનિ. નાણાં વિભાગના બીલ કલાર્ક દર મહીને ૧૦-૧ર તારીખથી પગાર માટેની એન્ટ્રીઓ કરે છે. ચાલુ મહીને બીલ કલાર્ક દ્વારા કરવામાં આવતી એન્ટ્રી કોમ્પ્યુટર સ્વીકારતા નથી તેથી ટીસીએસ દ્વારા “સેલેરી મોડ્યુલ” લોક કરવામાં આવ્યુ હોવાની શંકા છે.

તદ્‌પરાંત માઈક્રોટેક કંપનીને હજી સુધી Source code” પણ આપવામાં આવ્યા ન હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. ઈ. ગર્વનન્સ વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા મુજબ ટીસીએસ કંપનીને રૂા.આઠ કરોડ ચુકવવાના બાકી છે તેમજ ૧ જુલાઈ થી ૬ મહીના માટે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમયગાળા દરમ્યાન “ટીસીએસ” અને માઈક્રોટેકના કર્મચારીઓ સાથે કામ કરશે તેમજ માઈક્રોટેકને ડેટા આપવામાં આવશે. આ પ્રક્રિયાને ‘પેરેરલ રન’ કહેવામાં આવે છે. પગાર કોડની બાબત પાયાવિહોણી હોવાનું તેમણે જણાવ્યુ હતું.

મ્યુનિ. કોર્પોરેશનમાં થતી ચર્ચા મુજબ કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ વધુ ૦૬ મહીના મુદતમાં શા માટે વધારો કરવામાં આવ્યો ? તંત્ર દ્વારા ૦૬ મહીના સુધી બે-બે કંપનીને પેમેન્ટ કરવામાં આવશે ?

ટીસીએસનું પેમેન્ટ બાકી હોવાથી “ડેટા” આપવામાં આવતા નથી ? આ તમામ બાબત અધ્યાહાર છે. પરંતુ હાલ તો મ્યુનિ. શાસકો અને અધિકારીઓ માહિતી માટે લાચાર છે તે ૧૦૦ ટકા સત્ય છે.

અત્રે નોંધનીય છે કે ઈ-ગવર્નન્સ દ્વારા જે કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે મ્યુનિ. કોર્પો.ના સર્વરનો ઉપયોગ કરે છે જેના કારણે મ્યુનિ. કોર્પો.ના તમામ અગત્યના ડેટા તે કોન્ટ્રાકટર પાસે જાય છે

આ બાબત ઘણી જ ગંભીર માનવામાં આવે છે તદઉપરાંત કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ કોર્પોરેશનને તેના જ ડેટા પરત મેળવવા કરગરવું પડે તે ખુબ જ વિષમ સ્થિતિ છે.

સરકારી કે સ્વાયત્ત સંસ્થાના ડેટા કોઈપણ કોન્ટ્રાકટર સીઝ કરે અને માહિતી આપવા માટે નનૈયો ભણે તે એક ગુનાહિત કૃત્ય છે તેમ નિષ્ણાંતો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.